હાશકારો:બહાદરપુરમાં ત્રણ દિવસથી પેધી પડી ગયેલી દીપડી પાંજરે પુરાઈ, રાત્રે બાળક ઉપર દીપડીએ હુમલો કરવાની કોશિશ કરી હતી

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપડીને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા કવાયત હાથ ધરાઈ

સંખેડા તાલુકાના બહાદરપુર ગામે કોટ ફળિયામાં છેલ્લા ત્રણેક દિવસથી પેધી પડી ગયેલી દીપડી આખરે પાંજરે પૂરાઇ છે. રાત્રે પેશાબ કરવા નિકળેલા બાળક ઉપર પણ દીપડાએ હુમલો કરવાની કોશીષ કરી હતી. સંખેડા તાલુકાના બહાદરપુર ગામે કોટ ફળિયામાં જેંતીભાઇ પુનાભાઇ ભોઇના ઘર પાસે સળંદ બે દિવસ રાત્રે આવીને મરઘાનું મારણ કરી નાખ્યું હતું. જે બાદ એક નાનું બાળક રાત્રે પેશાબ કરવા માટે ઉઠ્યો ત્યારે તેની ઉપર પણ દીપડીએ હુમલો કરવાની કોશિશ કરી હતી. પણ બાળક ઝડપભેર ઘરમાં આવી જતા બચી ગયો હતો.

જોકે તાજેતરમાં જ માંજરોલ-ખોડીયાર માતાજીના મંદિરની વચ્ચે એક દીપડો ગણપતીની મુર્તી લઇને આવતા સંખેડાના એક યુવક મંડળે પણ દીપડીને જોઇ હતી. જે બાદ બહાદરપુરના એક વિસ્તારમાં દીપડાના પગના પંજાના નિશાન પણ જોવા મળ્યા હતા.દીપડી દ્વારા થતા હુમલાથી પાલતુ પશુઓને બચાવવા માટે આ વિસ્તારના સ્થાનિકોએ બહાદરપુરની એનિમલ રેસ્ક્યુ ટીમના સચિન પંડીતને જાણ કરી હતી. જેથી સચિન પંડીતે જંગલખાતાને જાણ કરીને અહિયા પિંજરુ મુકાવી આપ્યું હતું. ગત રાત્રે અઢી વાગ્યાના સુમારે દીપડી આ પિંજરામાં આવી ગયો હતો.

રાત્રે જ દીપડો પાંજરે પુરાયો હોવાની વાત વાયુવેગે ફેલાતા રાત્રીજ કેટલાય લોકો દીપડાને જોવા માટે આવી પહોચ્યા હતા. જંગલખાતાને જાણ કરાતા જંગલખાતાના કર્મચારીઓ પણ અત્રે આવી પહોચ્યા હતા. અને દીપડાને તાત્કાલીક સંખેડા વેટરનરી દવાખાને લાવવામાં આવ્યો હતો. પિંજરે પુરાયેલ વન્ય પ્રાણી દીપડી હતી.

જે આશરે ત્રણેક વરસની હતી. એવું આર.એફ.ઓ.એન.ટી.બારીઆએ જણાવ્યું હતું. આ ઉપરાંત આ દીપડીને નૈસર્ગીક વાતાવરણમાં મુક્ત કરવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.સંખેડા તાલુકામાં બહાદરપુર નજીકથી 3 વર્ષની દીપડી પાંજરે પુરાયા બાદ આ વિસ્તારમાં એવી પણ ચર્ચા ઉભી થઇ છે કે આ 3 વરસની દીપડી બાદ વધુ હજી એક-બે દીપડા આ વિસ્તારમાં ઘૂમી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...