રજૂઆત:3 ગણું ભાડું ચૂકવવું પડતું હોવાથી 18 મહિનાથી બંધ ટ્રેન શરૂ કરવા માગ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા-છોટાઉદેપુરના ટ્રેક પરનું  સંખેડાના બહાદરપુર ગામનું રેલવે સ્ટેશન. - Divya Bhaskar
વડોદરા-છોટાઉદેપુરના ટ્રેક પરનું સંખેડાના બહાદરપુર ગામનું રેલવે સ્ટેશન.
  • વડોદરા-છોટાઉદેપુર ટ્રેનના અભાવે લોકો રઝળી પડ્યાં છે

વડોદરા-છોટાઉદેપુરને જોડતી ટ્રેન સેવા છેલ્લા 18 મહિનાથી બંધ થયેલી છે. જે ચાલુ કરવા માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા દ્વારા રેલ રાજ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના કારણે ટ્રેન બંધ કરાઈ હતી. ટ્રેનના અભાવે જરૂરિયાતમંદોને ત્રણ ગણું ભાડું ખર્ચવું પડે છે. વડોદરાથી છોટાઉદેપુરની ટ્રેનની સુવિધા કોરોનાને કારણે ગત વર્ષે માર્ચ મહિનામાં બંધ કરી દેવામાં આવી હતી. જે બાદથી આજદિન સુધી ટ્રેન સુવિધા શરૂ કરાઇ નથી. વડોદરાથી તેમજ ડભોઇ, સંખેડા, બોડેલી, જેતપુર પાવી વગેરે સ્ટેશનો સુધી ખૂબ જ મોટી સંખ્યામાં પેસેન્જરો આ સુવિધાનો લાભ લેતા હતા પણ ટ્રેન બંધ થયા બાદ લોકોની હાલાકી વધી છે.

કોરોનાની સ્થિતિ હળવી બન્યા બાદ તંત્ર દ્વારા તેમના અનેકવિધ રૂટ શરૂ કરવામાં આવ્યા છે પણ વડોદરાથી છોટાઉદેપુરને જોડતી ટ્રેન હજી સુધી શરૂ થઈ નથી. વડોદરાથી છોટાઉદેપુર દોડતી ટ્રેન સુવિધા શરૂ કરવા માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા દ્વારા રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ટ્રેન બંધ થયા બાદ લોકોને વડોદરા કે છોટાઉદેપુર જવા માટે ટ્રેન કરતા ત્રણથી ચાર ગણું ભાડું ખર્ચવું પડી રહ્યું છે. સત્વરે ટ્રેન સુવિધા શરૂ થાય તો લોકોને પડતી મુશ્કેલી દૂર થાય.

ટ્રેન બંધ થતાં અલીરાજપુરના મુસાફરોને પણ હાલાકી
વડોદરા-છોટાઉદેપુર સુધી દોડતી ટ્રેન બંધ થવાના કારણે સૌથી મોટી મુશ્કેલી છોટાઉદેપુર નોકરીએ જતા નોકરિયાતોને પડી રહી છે. બીજી તરફ આ ટ્રેન અલીરાજપુર સુધી લંબાવેલી હતી. જેના કારણે અલીરાજપુરથી વડોદરા સુધીની સૌથી સસ્તી મુસાફરી શકય બની હતી. પરંતુ કોરોનાના કારણે ટ્રેન બંધ થવાના કારણે અલીરાજપુરના લોકોને પણ ખૂબ હાલાકી પડી રહી છે.

મોટા ભાગના રૂટ ચાલુ થયા તો આ કેમ નહિ?
રેલવે વિભાગ દ્વારા કોરોનાના સમયગાળા દરમિયાન જે ટ્રેનોના રૂટ બંધ કરવામાં આવ્યા હતા તે પૈકીના મોટાભાગના હાલમાં ચાલુ થઈ ગયા છે. આવા સમયે વડોદરા છોટાઉદેપુર સુધીની ટ્રેનની સુવિધા કેમ બંધ રખાઈ છે? એવા વેધક સવાલો ઉભા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...