ભાસ્કર વિશેષ:અરીઠા-છાપરિયાની સીમમાં માઇનોર કેનાલમાં ભંગાણ, નર્મદા માઈનોર કેનાલની નીચેના ભાગમાંથી મોટી માત્રામાં પાણી નીકળી રહ્યું છે

સંખેડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
અરીઠા-છાપરિયા ગામની સીમમાં નર્મદાની માઇનોર કેનાલમાં ભંગાણ થતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. - Divya Bhaskar
અરીઠા-છાપરિયા ગામની સીમમાં નર્મદાની માઇનોર કેનાલમાં ભંગાણ થતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
  • નર્મદાના સત્તાધીશો દ્વારા ભંગાણનું સમારકામ કરવા કોઈ કાર્યવાહી કરાઈ નથી

સંખેડા તાલુકાના અરીઠા-છાપરીયા રોડ ઉપર આવેલ નર્મદાની માઈનોર કેનાલના સાયફન પાસેથી ભંગાણ થતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જાહેર રસ્તા ઉપર પાણી વહી રહ્યું છે. સંખેડા તાલુકાના અરીઠા-છાપરીયા વચ્ચેથી નર્મદાની માઇનોર કેનાલ પસાર થાય છે. નર્મદાની આ માઇનોર કેનાલ અરીઠા-છાપરીયાની સીમમાંથી પસાર થઈ મોભીયા તરફ જાય છે. અરીઠા છાપરીયાની સીમમાંથી પસાર થતી આ માઈનોર કેનાલના સાયફન પાસેથી જ ભંગાણ થયેલું છે. કેનાલની નીચેના ભાગમાંથી મોટી માત્રામાં પાણી નીકળી રહ્યું છે. આ પાણી નકામું નિરર્થક વહી રહ્યું છે.

આસપાસના રસ્તાઓ પર પાણી વહેતા જાણે નાનકડું ઝરણું વહેતું હોય એવાં દૃશ્ય જોવા મળે છે. રસ્તો પણ પાણી પાણી થઇ ગયો છે. મોટી માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવા છતાં નર્મદાના સત્તાધીશો દ્વારા આ ભંગાણનું સમારકામ કરવા માટે કોઈ જ કાર્યવાહી હાથ ધરાઈ નથી. જેને કારણે હજી આ માઇનોર કેનાલમાંથી મોટી માત્રામાં પાણીનો વેડફાટ ચાલુ જ છે.

નર્મદા કેનાલના પાણી આધારિત આ વિસ્તારના ખેડૂતો ખેતી કરે છે. આ રીતે પાણીનો વેડફાટ થવાથી ખેડૂતોને ખેતી માટેનું પાણી પણ પૂરતું ન મળે એવી શક્યતા છે. તંત્ર દ્વારા આ સ્થળે સમારકામ હાથ ધરાય એ પણ ઇચ્છનીય બન્યું છે. જોકે સમારકામ માટે જેટલા દિવસ પાણી બંધ રખાય એટલા દિવસ ખેડૂતોને ફરી પાછું મજરે પાણી આપવું પડે એવી સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...