સંખેડા તાલુકામાં કલેડીયા સેન્ટરમાં કપાસની હરાજી બંધ થયા બાદ હવે હાંડોદ સેન્ટરમાં પણ કપાસની આવક બંધ થતાં હરાજી બંધ થઈ હતી. અત્યાર સુધી આ સીઝનમાં સંખેડા તાલુકામાં વિવિધ સબયાર્ડમાં કપાસની આવક હાંડોદ સેન્ટરમાં 135041.55 ક્વિન્ટલ, કલેડીયા સેન્ટરમાં 42107.50 ક્વિન્ટલ, ગોલાગામડી સેન્ટરમાં 3816.20 ક્વિન્ટલ અને બહાદરપુર સેન્ટરમાં 1034.96 ક્વિન્ટલ નોંધાઈ છે.
સંખેડા તાલુકો કપાસની ખરીદીનું હબ છે. એપીએમસીમાં ગોલાગામડી, બહાદરપુર, હાંડોદ અને કલેડીયા ચાર સબયાર્ડ છે. જે પૈકી હાંડોદ સબયાર્ડમાં આ વર્ષે પહેલી વખત કપાસની હરાજીથી ખરીદી શરૂ થઈ હતી. ખેડૂતોને આ વર્ષે એકંદરે નવ હજાર રૂપિયાથી લઈને 13,000 રૂપિયા સુધીના ક્વિન્ટલના ભાવ મળ્યા છે. સંખેડાના કલેડીયા યાર્ડમાં મહારાષ્ટ્રથી પણ મોટી માત્રામાં કપાસ વેચાવા આવતો હતો.
કપાસની હરાજી મોડેથી શરૂ થઈ હતી. જેથી કપાસની આવકનો આંકડો ઓછો છે. કપાસની ઓછી આવકથી એપીએમસીને પણ આવક ઓછી થાય એવી શક્યતા છે. શુક્રવારના રોજ કપાસના ખૂબ જ ઓછા સાધનો આવ્યા હતા. જ્યારે શનિવારથી કપાસના સાધનો આવતા બંધ થયા છે. જેને કારણે કપાસની હરાજી આ સેન્ટર ખાતે બંધ કરવામાં આવેલી હોવાનું એપીએમસીના સેક્રેટરી અજીતભાઈ ભગતે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.