વિરોધ:ચૂંટણીનો બહિષ્કાર કર્યો, તેમ છતાં નાળું ના બન્યું : વિદ્યાર્થીઓ-રહીશો માટે નદી જ રોડ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુંડેરના ગ્રામજનોએ છલિયું બનાવવાની માગને લઈ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો

સંખેડા તાલુકાના ગુંડેર ગામના મતદારો ઉચ્છ નદી ઉપર છલિયું બનાવવાની માગ ન સંતોષાતા મતદાનથી દૂર રહ્યા હતા. ચૂંટણી બહિષ્કાર કર્યાને 8 મહિના થયા છે.પણ હજી સુધી આ ગામના ગ્રામજનોની માગ સંતોષાઈ નથી. ઉચ્છ નદી ઉપર છલીયું ન બનતા આજે પણ ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓને નદી ઉતરીને તેમાંથી જ પસાર થવું પડી રહ્યું છે.

સંખેડા તાલુકાના ગુંડેર ગામના ગ્રામજનોએ ફેબ્રુઆરી 2021માં યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ ગ્રામજનોની મુખ્ય માગણી હતી કે ગુંડેરથી સંખેડાને જોડતા રસ્તાઓમાં આવતી ઉચ્છ નદી ઉપર બનાવવામાં આવે પણ આ માંગણી ગ્રામજનોની જે હતી તે સંતોષાઇ નહોતી.જેને કારણે ગ્રામજનો ચૂંટણી બહિષ્કાર કરવા ઉપર અડગ રહ્યા હતા. જોકે આ ગ્રામજનોને ભાજપના આગેવાનો દ્વારા સમજાવવા માટે તેમના ગામમાં મીટિંગ પણ યોજાઇ હતી પણ ગ્રામજનો પોતાની માગ પર અડગ રહ્યા હતા.

ગામના આશરે 450 જેટલા મતદારો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે મતદાન કરવાથી દૂર રહ્યા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.ગુંડેરથી સંખેડા આવવા માટે ઉચ્છ નદીમાંથી રસ્તો બને તો માંડ બેથી ત્રણ કિલોમીટરમાં સંખેડા આવી શકે પણ નદીમાં પાણી આવી જાય અથવા વધારે પાણી હોય ત્યારે ગ્રામજનોને વાયા હાંડોદ થઇને આવવુ-જવું પડે છે. શાળાએ ભણવા માટે સંખેડા આવતા-જતા બાળકોને પણ મુશ્કેલી પડે છે. કેટલાય વર્ષોથી ગ્રામજનોને આ મુશ્કેલી હતી.

પણ માગ ન સંતોષાતા ગ્રામજનોએ એક પણ મત ન નાખીને બહિષ્કાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.સંખેડા પંચાયત મકાન અને માર્ગ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર એ.બી.રાઠોડે જણાવ્યું હતું કે, ‘ગુંડેરથી સંખેડા તરફ આવવાના રસ્તે ઉચ્છ નદી ઉપર છલીયું બનાવવા માટેની દરખાસ્ત કરાયેલ છે.’

અન્ય સમાચારો પણ છે...