રજુઆત:જૂની પેન્શન યોજનાને ફરી શરૂ કરવા વિવિધ તાલુકાના શિક્ષકો દ્વારા ધારાસભ્યને આવેદન

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડો. આંબેડકરની જન્મજયંતીને બંધારણ પેન્શન અધિકારી દિવસ તરીકે ઉજવ્યો

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે સંખેડા તાલુકાના શિક્ષકો દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર અપાયું હતું. શિક્ષકોએ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી હતી.

ગુજરાત રાજ્યના કર્મચારીઓના બનેલા ‘ગુજરાત રાજ્ય સયુંક્ત કર્મચારી મોરચો’ અને ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ તરફ્થી ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજ્ના રદ કરી જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા કરેલ આહવાન અનુસાર તા. 14 એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જુની પેન્શન યોજના પુન: ચાલુ કરવાની માગણીઓ સાથે આ આવેદનપત્ર ધારાસભ્ય અભેસિંહ તડવીને અપાયું હતું. માગણીઓ અને લાગણી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પહોંચાડી, રાજયના સર્વે કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુન: સત્વરે ચાલુ કરવામાં આવે તેવી વિનંતિ કરવામાં આવી હતી.

કરજણમાં ધારાસભ્યોને રજૂઆત
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુરુવારે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતી નિમિત્તે પેન્શન અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કરજણ ખાતે બાબાસાહેબની આંબેડકરની પ્રતિમાને ફૂલહાર વિધિ કરીને જૂની પેન્શન યોજનાનું અમલીકરણ કરવા માટે અને નવી પેન્શન યોજના રદ કરવા માટે ગુરુવારે કરજણના ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગનાં શિક્ષકો હાજર રહ્યા હતા.

ડભોઇમાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પેન્શન મુદ્દે વિરોધ પ્રદર્શન
ડભોઇ તાલુકાના 300 ઉપરાંત શિક્ષકો દ્વારા તા. પ્રા.અને વડોદરા જિ. શિક્ષક સંઘના નેજા હેઠળ ડો. આંબેડકર ચોક ખાતે જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા તેમજ 7મા પગાર પંચની વિસંગતતા દૂર કરવાની માગ સાથે અધિકાર દિવસની ઉજવણી કરી પ્રતિજ્ઞા લીધી હતી. સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી સૌએ ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા.

પાવીજેતપુરમાં પણ જૂની પેન્શન યોજના લાગુ કરવા રજૂઆત
પાવીજેતપુર તાલુકામાં આંબેડકર જયંતીને બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે સમગ્ર કર્મચારી મંડળો દ્વારા ઊજવવામાં આવ્યો હતો. નગરના હાર્દ સમાન વિસ્તાર તીનબત્તી ઉપરથી આંબેડકર ચોક સુધી રેલી નીકળી ભવ્યતાથી આંબેડકર જયંતી ઉજવાઇ હતી. જેમાં શિક્ષકો, કર્મચારીઓએ હાજર રહી જૂની પેન્શન યોજના લાગુ કરોના નારાઓ લગાવ્યા હતા.

સાવલી-ડેસર પ્રા. શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન નીતિ શરૂ કરવા માગ
સાવલી ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો મુદ્દે સાવલી ડેસર તાલુકાના શિક્ષકોએ ધારાસભ્યને આવેદનપત્ર પાઠવીને ઘટતું કરવા માગ કરી છે. ગુરુવારે 14 એપ્રિલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી હતી.

પાદરામાં શહેર-જિ.સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આવેદન
પાદરામાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથ. શિક્ષક સંઘ તરફથી રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા ગુરુવારે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ બંધારણના દિવસે જ પેન્શન અધિકાર દિવસ નિમિતે ઉજવણી કરાઇ હતી. તેમજ જૂની પેન્શન યોજના શરૂ કરવા સૂત્રોચાર કરી પાદરા ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું.

નસવાડી તાલુકા પ્રા. શિક્ષકોના રેલી કાઢી સૂત્રોચાર
નસવાડી તાલુકાના પ્રાથમિક શિક્ષકો તેઓની વર્ષો જૂની પડતર માગ કરી રહ્યા છે. છતાંય સરકાર ધ્યાન આપતી ન હોય નસવાડી તાલુકાના શિક્ષકો ભેગા થયા હતા અને ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીએ પ્રતિમાને પુષ્પાંજલિ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા સૂત્રોચાર કરી સંકલ્પ કર્યા હતા. તેમજ રેલી કાઢી વિરોધ કરી તેમણે સ્થાનિક ધારાસભ્યના પ્રતિનિધિને આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...