વાતાવરણ વાદળછાયું:જિલ્લામાં 10 દિવસમાં ફરી વંટોળ

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા-બોડેલી સહિત અનેક સ્થળે પવન ફૂંકાયો, ક્યાંક છાંટા પણ પડ્યા

સંખેડા અને બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં બુધવારે સાયકલોનીક સર્ક્યુલેશનની અસરને કારણે સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. સાંજે કેટલીક જગ્યાએ પવન ફુંકાયો હતો. પવન ફૂંકાતાં વધુ એક વખત ખેડૂતોના જીવ અધ્ધર થયા હતા. જિલ્લામાં તા.17 અને 18 મીએ વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે સાંજે સંખેડા અને જિલ્લાના અન્ય તાલુકામાં સામાન્ય છાંટા પડયા હતા.

સંખેડા-બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં બુધવારે સવારથી જ વાતાવરણ સતત વાદળછાયું રહ્યું હતું. જોકે વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં આંશિક રાહત અનુભવાઇ હતી. સાંજે તો વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. પવન ફૂંકાવવાનો શરૂ થયો હતો. ઝાડ ઉપરથી પાંદડા ખરતા જોવા મળ્યા હતા. સપ્તાહ બાદ ફરી પવન ફૂંકાતાં ખેડૂતોના જીવ ફરી અધ્ધર થયા હતા.

ગત સપ્તાહે ભારે પવન ફુંકાયો હતો. જેને કારણે દિવેલા તેમજ મકાઈ જેવા પાકોને નુકસાન થયું હતું. દિવેલા અને મકાઈના તૈયાર થયેલા છોડ જમીન ઉપર આડા પડી ગયા હતા. જેને કારણે ખેડૂતોને ખેતીમાં પણ ખૂબ જ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ખેડૂતોને દિવેલા તેમજ મકાઈ,તુવેર જેવા પાકો બહાર કાઢવાની તૈયારી છે.

અને એવા સમયે પવન ફૂંકાતા ખેડૂતોના જીવ અધ્ધર થયા હતા. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ થવાને કારણે પણ ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું હતું. એમાં હવે ઉનાળામાં પણ આ રીતે જ પવન ફૂંકાવવાને કારણે તેમજ કમોસમી વરસાદની સ્થિતિને લીધે ખેડૂતો ભયભીત બન્યા છે. આંબાના ઝાડ ઉપર પણ મૉર અને ક્યાંક મરવા ઉગી નીકળ્યા છે.પવન અને કમોસમી વરસાદને કારણે તેને પણ નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.

છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં 17 અને 18 માર્ચે વરસાદની આગાહી
સંખેડા | કેયુર પટેલ - વિષય નિષ્ણાંત (કૃષિ હવામાનશાસ્ત્ર) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- મંગલભારતીએ આપેલી માહિતિ મુજબ ભારતીય હવામાન વિભાગના દ્વારા મળેલ હવામાન આગાહી અનુસાર તારીખ 17 માર્ચથી 18 માર્ચ દરમિયાન વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં હવામાન વાદળછાયું રહેશે અને છૂટીછવાઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

તો ખેડૂત મિત્રોને સલાહ આપવામાં આવે છે કે હાલ તુવેર, મકાઈ જેવા ઉનાળુ પાકની કાપણી તથા દવાના છંટકાવ મોકૂફ રાખવા. આ ઉપરાત પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધવા અને પશુઓના ચારાને પણ ઢાંકીને રાખવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...