કાર્યવાહી:ચાચક પાસે ઓરસંગ નદીમાંથી ગેરકાયદે રેતી ઉલેચતું મશીન અને ટ્રક ઝડપાઈ

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદેસર રેતી ઉલેચતુ મશીન અને એક ટ્રક ઝડપાઈ હતી. - Divya Bhaskar
ગેરકાયદેસર રેતી ઉલેચતુ મશીન અને એક ટ્રક ઝડપાઈ હતી.
  • અગાઉ અરીઠા નજીકથી રોયલ્ટી પાસ વિનાની બે ટ્રકો ઝડપાઇ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાચક નજીક ઓરસંગ નદીના પટમાં ચાલતા બેનંબરી રેતી ખનન કરતું મશીન અને એક ટ્રક છોટાઉદેપુર ખાણખનિજ ખાતાએ ઝડપી કાઢ્યું હતું. થોડા દિવસ અગાઉ સંખેડા તાલુકા અરીઠા નજીકથી બે ઓવરલોડ રેતી ભરેલી ટ્રક રોયલ્ટી પાસ વિના રેતી ભરીને જતી પણ ઝડપાઇ હતી. તંત્ર દ્વારા રેતી ચોરી અટકાવવા પ્રયાસ કરાય છે. તેમ છતાય હજીય રોયલ્ટી પાસ વિના રેતી ભરેલી ટ્રકો સંખેડા પાસેથી પસાર થતી હોવાની ચર્ચા વ્યાપક છે.

બોડેલી નજીક ચાચક ગામ પાસેથી ઓરસંગ નદીના પટમાં બે નંબરી ચાલતા રેતી ખનન બાબતે ખાણખનિજ ખાતાને જાણ થતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિતેશ રામાણી અને યોગેશભાઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક રેતી ભરવાનું મશીન અને એક ટ્રક સ્થળ પરથી જ ઝડપાઇ હતી. આશરે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી કઢાયો હતો.

સંખેડા તાલુકાના અરીઠા ગામ નજીકથી પણ ખાણખનિજ ખાતા દ્વારા રોયલ્ટી પાસ વિના રેતી ભરીને જતી બે ટ્રકો ઝડપી કાઢવામાં આવી હતી. સંખેડા નજીકથી રોજેરોજ રોયલ્ટી પાસ વિના રેતી ભરીને કેટલીક ટ્રકો પસાર થતી હોવાની ચર્ચા પણ વ્યાપક બનેલી છે. સંખેડા અને બોડેલી નજીકની ઓરસંગ નદીના પટમાં કોઇ જાતની લીઝ વિના જ રેતી ભરાતી હોવાની પણ ચર્ચા છે.

રોયલ્ટી પાસ વિના ઝડપાતી ટ્રકોમાં ક્યાંથી રેતી ભરાઇ? તે તપાસનો વિષય
ખાણખનિજ દ્વારા રોયલ્ટી પાસ વિના રેતી ભરીને જતી ટ્રકો ઝડપાય છે. પણ આ ટ્રકોમાં રોયલ્ટી પાસ વિના, વજન કાંટાની પાવતી વિના સરકારને રોયલ્ટીની આવકનો ચુનો ચોપડનારા કોણ? એવા સવાલો ઉભા થઇ રહ્યા છે. મોટાભાગની લીઝો પાસે સીસીટીવી કેમેરા હોય છે. જે રસ્તે ટ્રકો ઝડપાઇ હોય તે વિસ્તારની લીઝોના સીસીટીવીના ફૂટેજ ચેક થાય તો પણ કોઇ કડી મળે.

અન્ય સમાચારો પણ છે...