પાણીની સમસ્યા:હરેશ્વરના સંપ- ટાંકીમાં પાણી છે છતાં ગામમાં બેડાંરાજ યથાવત

સંખેડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાંકી, સંપ બન્યા પણ ગ્રામજનોને પીવાનું પાણી ઘર આંગણે મળતું નથી

સંખેડા તાલુકાના હરેશ્વર ગામે પાણીની સમસ્યા છે. હરેશ્વર ગામના લોકો પીવાનું પાણી ભરવા માટે ગામની ભાગોળે આવેલા એકમાત્ર નળ ઉપર જ ભેગા થાય છે. પાણી પુરવઠા યોજનાની ટાંકી તેમજ બનેલ હોવા છતાં પણ ગામમાં પાણીનું વિતરણ થતું નથી. મહિલાઓ માથે બેડા મૂકીને તો કોઈ સ્કૂટર અને કોઈ સાઇકલ ઉપર પાણી ભરવા આવે છે.

સંખેડા તાલુકાના હરેશ્વર ગામે વર્ષોથી પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી. હરેશ્વર ગામ અને વસાહતના લોકો હરેશ્વર ગામની ભાગોળે આવેલા એક માત્ર કૂવેથી પાણી ભરવા માટે આવતા હતા. અહીંયા બાજુમાંથી જ બોબર કોતર પસાર થાય છે. એ કોતરને કારણે કુવાની અંદર પીવાલાયક મીઠું પાણી મળી રહેતું હતું. જોકે ત્યારબાદ પંચાયત દ્વારા અત્રેથી કૂવામાંથી પાણીની લાઈન કરી નજીક ત્રણ નળ મૂકી આપ્યા છે. જેના થકી પીવાનું પાણી ગ્રામજનો અહીંયાથી વહેલી સવારે ભરવા માટે આવે છે.

પીવાના પાણીની આ સમસ્યા હલ કરવા માટે અત્રે સંખેડા બોડેલી તાલુકા જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-3 અંતર્ગત સંપ તેમજ પાણીની ટાંકી બનાવવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી પાણીની આ ટાંકી શોભાના ગાંઠિયા સમાન ઉભી છે. કારણકે આ ટાંકીનું પાણી ગ્રામજનોને મળી શકતું નથી. ગ્રામજનો ઘર આંગણે પીવાલાયક મીઠું પાણી મેળવી શકતા નથી. ગ્રામજનોને પીવાનું પાણી ભરવા માટે ગામની ભાગોળે મુકાયેલા આ ત્રણ નળે માથે બેડા મૂકીને આવવું પડે છે. કોઈ સ્કૂટર ઉપર પાણી ભરવા આવે છે તો કોઈ સાયકલ લઈને અહીંયા પાણી ભરવા આવતા નજરે પડે છે.

લાઈન 1 વર્ષથી નંખાઈ છે, પાણી આવ્યું નથી
અમારા ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. એક જ કૂવો છે. એમાંથી પાઈપલાઈનથી પાણી આવે છે. 1000 માણસો પાણી ભરવા આવે છે. નર્મદાની લાઇન એક વર્ષથી નંખાઈ છે. પણ એમાંથી હજી પાણી આવ્યું નથી. ટાંકી બની છે એમાં લીકેજ છે એ દૂર થાય એવી અમારી ગ્રામ લોકોની ઈચ્છા છે. > મનીષ પટેલ, હરેશ્વર

સમસ્યા દૂર કરવા સરકારને રાજૂઆત છે
ટાંકી બનાવી છે સંપ બનાવ્યો છે પણ એનો કોઈ મતલબ નથી. વરસ ઉપરથી થઈ ગયું. હજુ આ સમસ્યા દૂર કરવા સરકારને રાજૂઆત છે. છેલ્લા વરસ-દોઢ વરસથી સમસ્યા છે. > હેમંતભાઈ, હરેશ્વર

હરેશ્વર ગામમાં તો બરાબર ચાલી રહ્યું છે
હરેશ્વર ગામમાં આપણું કમ્પ્લેટ ચાલે છે. સંપમાં પાણી છે. ટાંકી ભરાય છે. અંદરની લાઈનનું જે હશે એ ગામે કરવું પડશે. > આઈ.કે. રાઠોડ, ડે. એન્જીનીયર પાણી પુરવઠા, બોડેલી

અન્ય સમાચારો પણ છે...