સંખેડા ગામમાં પાણીની લાઈનને લગતી કામગીરી ગ્રામજનો માટે મુસીબતરૂપ બની રહી છે. ખોદેલા ખાડામાં રવિવારે એક ગાડી ફસાઇ ગઇ હતી. તો બીજી બાજુ જ્યાં આરસીસીનું કામ થયેલું છે ત્યાં ક્યાંક ગાબડા પડી ગયા છે.સંખેડા ગામમાં દિવાળીની પહેલાં જ પાણીની લાઇનનું શરૂ થયેલું કામ હજી સુધી પૂરું થયું નથી. પાઇપલાઇન નખાઈ ગઈ છે. પરંતુ હજી તેની ઉપર આરસીસીનું કામ કરવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરી અત્યંત મંથર ગતિએ ચાલી રહી છે જેને કારણે ગ્રામજનોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક બાજુથી પાણી પુરવઠા વિભાગ દ્વારા હજી પણ પાણીની લાઇન ત્રણ ફૂટને બદલે દોઢ ફૂટ જેટલી જ દબાવાય છે તે અંગે કોઈ જ તપાસ હાથ ધરાઇ નથી. તો બીજી બાજુથી પાણીની આ લાઇનનું ખોદકામ બાદ હવે પુરાણ કરવાની કામગીરી પણ અત્યંત તકલાદી થઈ રહી છે. જેને કારણે અત્યારે જે જે જગ્યાએ કામ થયું છે ત્યાં કેટલીક જગ્યાએ આરસીસીનું થયેલું કામ તેની ઉપરથી વાહન પસાર થતાં જમીનમાં નીચે બેસી ગયું છે.
પાઈપલાઈનના ખોદેલા ખાડામાં ગાડી ફસાઈ ગઈ હતી
રવિવારે હું હાલોલ જવા માટે નીકળ્યો ત્યારે બહાર રોડ ઉપર જ ખોદેલા ખાડા જેનું પુરાણ હજી સુધી થયું નથી ત્યાં મારી ગાડી ફસાઈ ગઈ હતી. અહીંયા ગલીનું નાકું હોઇ વાહનોની અવરજવર રહે છે. આ જગ્યાએ કદાચ પહેલું કામ કર્યું હોત તો સારું રહેત. મારા સિવાય પણ અનેક લોકોને મુશ્કેલી પડે છે. આ બાબતે મેં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને મૌખિક રજૂઆત કરી છે. > અનિલભાઈ કાછિયા, સંખેડા
પાણીની લાઇનની કામગીરીને કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે
પાણી પુરવઠા વિભાગ દ્વારા કરાતી પાણીની લાઈનને કામગીરીને કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. કામગીરી પણ ખૂબ જ નબળી અને હલકી કક્ષાની થઈ રહી છે. પાઇપલાઇન પૂરતી ઊંડી નખાઈ નથી. તેની ઉપર આરસીસીનું કામ ચાલી રહ્યું છે. એની ઉપરથી વાહન પસાર થાય તો કેટલીક જગ્યાએ આ આરસીસીનું કામ પાછું જમીનમાં દબાઈ ગયું છે. જેથી ખાડા પડી ગયા છે. > વિમલભાઈ રોહિત, પૂર્વ સભ્ય,સંખેડા ગ્રા.પં.
નબળી કામગીરી છતાં કોઈ કાર્યવાહી નહીં
પાણીની પાઇપલાઈન નાખવાની કામગીરી નબળી છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે. પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ થતાં સાથે જ વિવાદો ઉભા થયા હતા. કામગીરી નબળી થતી હોવા છતાં પંચાયત મૂક પ્રેક્ષક બની હતી. પાણી પુરવઠા વિભાગ પણ ગાંધારી બન્યું હતું. આ કામની તેમજ પાણીની ટાંકી સહિતના કામોની કામગીરી બાબતે વિજિલન્સ મારફતે તપાસ હાથ ધરાય એ ઇચ્છનીય બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.