સંખેડા તાલુકાની વડદલી નવી ગ્રામ પંચાયત બની સંખેડા તાલુકાની માંજરોલ અને ગોલાગામડી આ બે ગ્રામ પંચાયતનું વિભાજન કરી નવી વડદલી ગ્રામ પંચાયત બનાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. અગાઉ માંજરોલ અને ગોલાગામડી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત પણ થઈ ગઈ હતી, પણ હવે નવી વોર્ડ રચના સાથે ચૂંટણીની જાહેરાત થશે.
સંખેડા તાલુકાની વડદલી નવી ગ્રામ પંચાયત બનાવવા માટે સંખેડા તાલુકા પંચાયતમાં ગત વર્ષે ઠરાવ કરવામાં આવ્યો હતો અને એ મુજબ નવી વડદલી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે. આ અંગેનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. આ જાહેરનામામાં મુજબ વડદલી ગ્રામ પંચાયતમાં વડદલી, ગોરધનપુરા,વડદલી નર્મદા વસાહત અને ખેરવા આ ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માંજરોલ ગ્રામ પંચાયતના ત્રણ ગામો અને ગોલાગામડી ગ્રામ પંચાયતનું ખેરવા એ વડદલીમાં સમાવાયું છે. જેથી હવે નવીન રચના બાદ માંજરોલ ગ્રામ પંચાયતમાં માંજરોલ અમલપુર, ભાવપુરા અને રુગનાથપુરા ગામો રહેશે. જ્યારે ગોલાગામડી ગ્રામ પંચાયતમાં ગોલાગામડી,ચોરમહુડા મંગલભારતી,એમપી વસાહત અને વડગામ વસાહતનો સમાવેશ થશે.
અગાઉ ગ્રામપંચાયતોની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું જેમાં માંજરોલ અને ગોલાગામડી ગ્રામ પંચાયતની ચૂંટણી પણ જાહેર થઈ હતી. પણ હવે નવીન ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવતાં આ ત્રણે ગ્રામપંચાયતોની ચૂંટણી માટે વોર્ડ રચના અંગે જરૂરી માહિતી સંખેડા મામલતદાર કે.પી. પંડવાળાએ મંગાવી હોવાનું જાણવા મળ્યું છે. સંખેડા મામલતદાર કે.પી. પંડવાળાએ વધુમાં જણાવ્યુ હતું કે,”ડિસેમ્બરમાં યોજાનારી ગ્રામપંચાયતોની સાથે આ ત્રણેય ગ્રામ પંચાયતોની ચૂંટણી થઇ શકે અથવા ત્રણ મહિના દરમિયાન તેની ચૂંટણી કરવાની થઈ શકે છે. તલાટીઓને વોર્ડ રચના માટે સૂચના આપી દીધી છે.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.