સંખેડા તાલુકાના વાસણ સેવાડા ગામે રહેતા રણજીતસિંહ નટવરસિંહ રાઠોડના ખેતરમાંથી મજૂરોએ તેમના શેઠ વિનોદભાઈ બારીયાના ઓર્ડર મુજબ લાકડા કાપ્યા હતા. મજૂરોએ લાકડા કપાઈ જતાં તેમના શેઠને જાણ કરી હતી. જેથી તેમના શેઠે વાસણ સેવાડા ગામે ટ્રેક્ટર મોકલી આપ્યું હતું. વાસણ સેવાડામાં ખૂનવાડના રાજુભાઈ બારીયા તેમનું સ્વરાજ ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા. તેમાં લાકડા ભરીને સાથે એક મજૂર ખાનસિંગ વસાવા રહે.ઝરવાણી તા.ગરુડેશ્વર પણ ટ્રેક્ટરમાં મોટા ટાયરના પંખા ઉપરની સીટ ઉપર બેઠા હતા. અન્ય મજૂરો ટ્રેક્ટરની પાછળ ચાલતા ચાલતા જતા હતા.
દરમિયાન ડ્રાઇવર રાજુભાઈએ દોડતા દોડતા મજૂરો પાસે જઈને કહ્યું હતું કે તેમની સાથે બેઠેલ મજૂર ખાનસિંગ ટ્રેક્ટર પરથી નીચે પડી ગયો છે. અને તેની ઉપર ટ્રેક્ટર ચડી ગયું છે. જેથી તેમણે ટ્રેક્ટર નીચેથી તેને કાઢી સાઈડમાં મૂકી દીધેલો છે. આમ કહેતાં અન્ય મજૂરો ત્યાં દોડી ગયા હતા. તેને તપાસતાં તેનું મોત થયું હોવાનું જણાયું હતું. અન્ય મજૂરોએ આ બાબતે તેમના ગામના સરપંચને તેમજ લાકડા કપાવનાર શેઠને પણ જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા. ખાનસિંગ વસાવાના મૃતદેહને સંખેડા રેફરલમાં પોસ્ટ મોર્ટમ અર્થે લાવી સંખેડા પોલીસે ટ્રેક્ટર ચાલક રાજુભાઈ બારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.