અકસ્માતે આગ લાગી:દાહોદ જિલ્લાના ઝાલોદના લીલવાપોરમાં ઘાસના મોટા ઢગલામાં આગ લાગી, સંપૂર્ણ ઘાસચારો બળીને ખાખ

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગમાં કોઈ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો આગ વિકરાળ બનતા ફાયર બ્રિગેડ બોલાવાઈ, મોટું નુકસાન થયું હોવાની ચર્ચાઓ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાપોર ગામે ઘરની આગળ ઢગલા કરી પશુઓને ખાવા માટે ઘાસચારો રખાયો હતો. જેમાં અગમ્ય કારણોસર આગ લાગી જતાં સંપૂર્ણ ઘાસચારો બળીને રાખ થઈ ગયો હતો. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં નજીકના ફાયર ફાઈટર સ્ટેશનને જાણ કરવામાં આવતાં ફાયર ફાઈટરના લશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ઝાલોદ તાલુકાના લીલવાપોર ગામે ઘરની આગળ મૂકી રાખેલા ઘાસચારાના ઢગલામાં અકસ્માતે આગ ફાટી નીકળી હતી. જેના પગલે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ પણ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તો હાથમાં જે કાંઈ આવ્યું તેમાં પાણી ભરીને આગ ઉપર નાંખવાનું કામ શરૂ કરી નાખ્યું હતું. પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરતાં આખરે ઝાલોદ ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર ફાઈટરનું લશ્કર પાણીના બંબા સાથે ઘટના સ્થળ પર રવાના થઈ ગયું હતું અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

સદ્‌નસીબે આગમાં કોઈ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ પશુઓને ખવડાવવા માટેના ઘાસચારાને મોટું નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ લીમડી પોલીસ સ્ટેશનને થતાં લીમડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. લાગેલી આગમાં સંપૂર્ણ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો અને મોટું નુકસાન થયું હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...