કરૂણાંતિકા:શ્વાસનળીમાં રેતીનો કાંકરો ફસાતાં શ્વાસ રૂંધાવાથી રતનપુરના બાળકનું મોત થયું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએમ દરમિયાન પેટમાંથી પણ રેતીના કણ મળ્યા હતા

સંખેડા તાલુકાના રતનપુર ગામના 9 મહિનાના બાળકને ઓરીની રસી મુક્યા બાદ મૃત્યુ થયા હોવાના પરિજનોના આક્ષેપ બાદ ગુરુવારે બાળકનું વડોદરા એસ.એસ.જી.માં પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેમાં બાળકની શ્વાસનળીમાંથી 8થી 10 એમ.એમ.નો રેતીનો કાંકરો નીકળ્યો હતો. જેથી શ્વાસ રૂંધાવાના કારણે બાળકનું મૃત્યુ થયું હતું.પેટમાંથી પણ રેતીના કણ મળ્યા હતા. સંખેડા તાલુકાના રતનપુર ગામે રહેતી ગાયત્રીબેન શૈલેષભાઇ વસાવાના 9 મહિનાના બાળકને બુધવારે ગામમાં આશાવર્કર બહેનના ઘેર નર્સ હેમુબેન સુકાભાઇ બારીયાએ બાળકને ઓરીની રસી મુકી હતી.

રસી લીઘા બાદ ઘરે ગયા હતા. ત્યારબાદ દીકરો તેમની સાથે ઘરમાં રમતો હતો. તે વખતે બપોરના ત્રણેક વાગ્યાના આશરામાં બાળક રમતા રમતા અચાનક નીચે જમીન ૫ર ઢળી ૫ડી ગયેલ અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. અને શરીર પીળાશ ૫ડતુ થઇ ગયું હતું.

જેથી આ બાબતે ગાયાત્રીબેને તેની માતાને જાણ કરતા માતાએ તેમના ગામમાં રહેતા દી૫કગીરી જગદીશગીરી ગોસાઇના સાળા ૫પ્પુભાઇને વાત કરતા તેઓની બાઈક ૫ર બેસી ગાયત્રીબેન દીકરાની સારવાર કરાવવા માટે હાંડોદ દવાખાને લઇ ગયેલ હતા. અને હાંડોદ ખાતે આવેલી ઘવલ કલીનીકમાં જઇ ડોકટરને બતાવતા ડોકટરે બાળકની તપાસ કરી તે મરણ પામેલ હોવાનુ જણાવ્યું હતું.

જેથી દીકરાને લઇને રતનપુર(ક) ગામે ઘરે જતી રહેલ અને ઘરે જઇ આ બાબતે 108 એમ્બયુલન્સને ફોન કરતા થોડીવારમાં 108 એમ્બચુલન્સ ઘરે આવતા 108માં બેસી ગાયત્રીબેન દીકરાને લઇને સંખેડા સરકારી દવાખાને આવી હતી. અત્રે ફરજ ૫રના ડોકટરે દીકરાની તપાસ કરી હતી અને દીકરાને મરણ જાહેર કરેલ હતો.

આ બાબતે મૃતક બાળકની માતા ગાયત્રીબેને સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક 9 મહિનાના બાળકનું વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં ગુંડિચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડો. પ્રણવ ઉપાધ્યાયે પોસ્ટમોર્ટમ કર્યું હતું.

8થી 10 એમ.એમ.નો કાંકરો શ્વાસનળીમાંથી મળ્યો હતો
એક્સપર્ટ ડોકટરના ગાઈડન્સમાં બાળકનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેમાં બાળકની શ્વાસનળીમાંથી 8થી 10 એમ.એમ.નો રેતીની કાંકરો મળ્યો હતો. જેથી શ્વાસ રૂંધાવાના કારણે બાળકનું મૃત્યુ થયું છે. પેટમાંથી પણ રેતીના કણ મળ્યા હતા. રસીનો કોઈ ફોલ્ટ નથી. - ડો.પ્રણવ ઉપાધ્યાય, પી.એમ. કરનાર ગુંડીચા PHCના ડૉક્ટર

અન્ય સમાચારો પણ છે...