ખેડૂતોને નુકસાન:છોટાઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિથી 51580 હેકટર ખેતીને નુકસાન

સંખેડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપાસ, સોયાબીન, તુવેર, કેળાં વગેરે સહિતના પાકો નષ્ટ થયા : આશરે 58000 ખેડૂતોને ખેતીમાં આશરે 61 કરોડનું નુકસાન

છોટાઉદેપુર જિલ્લામાં તા.10 જુલાઈના રોજ પડેલા સાંબેલાધાર વરસાદને લીધે ખેતીના વિવિધ ભાગોને ખૂબ જ મોટું નુકસાન થયું હતું. કુલ 51580 ખેતીની જમીનમાં ખેતીના પાકોને નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, સોયાબીન, તુવેર, કેળાં વગેરે સહિતના પાકોને નુકસાન થયું છે. આશરે 58000 ખેડૂતોને ખેતીમાં આશરે 61 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

તા.10 જુલાઈ અને એ બાદ સંખેડા સહિત છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બોડેલી તાલુકામાં વરસ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં પડેલા આ સાંબેલાધાર વરસાદને કારણે વિવિધ નદીઓ બેકાંઠે થઈ હતી નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાની ઉચ્છ નદીમાં સૌથી વધુ વિનાશક પૂર આવ્યું હતું. નદીના કિનારે આવેલા વિવિધ ગામોમાં ઉચ્છ નદીના પાણી ઘૂસ્યા હતા. ઉચ્ચ નદીના કિનારે આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યું હતું. જેને કારણે તૈયાર થયેલા ખેતીના અનેક જગ્યાના પાકો પાણીમાં તણાયા હતા. કેટલાક ખેતરોમાં નદીની રેતી પણ ફરી વળી હતી. કેટલાક ક્ષેત્રોમાં તો આખે આખો પાક તણાઇ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો.

ખેતીવાડી શાખાના સૂત્રોના જણાવ્યામુજબ ખેતીમાં થયેલા નુકસાન બાબતે ખેતીવાડી શાખા અને બાગાયત શાખા, આત્મા પ્રોજેકટ અને ક્વોલિટી કન્ટ્રોલ વિભાગ વિગેરે વિવિધ વિભાગની 40 જેટલી ટિમો દ્વારા વરસાદને કારણે ખેતીમાં થયેલા નુકશાન અંગેનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. આશરે 15 દિવસ સર્વે ચાલ્યો હતો.

ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવા માટે પહેલી વખત જ ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરાયો હતો. ડ્રોન કેમેરાની મદદથી ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાયો હતો. અતિવૃષ્ટિને કારણે ખેતીનામાં પાકોમાં સૌથી વધુ કપાસના પાકને નુકસાન થયું હતું. ક્યાંક કપાસના વાવેતર થયેલા ખેતરમાં પાણી ભરાયા હતા.

તો ક્યાંક કેનાલ તૂટતા પાણી ખેતરમાં ફરી વળતા જમીનનું ધોવાણ થયું તેમાં પાક પણ ધોવાઈ ગયો હતો. જોકે કપાસ ઉપરાંત સોયાબીન, તુવેર, કેળા તેમજ ડાંગર, શાકભાજી એમ વિવિધ પાકોને નુકસાન થયું છે. અતિવૃષ્ટિને કારણે આશરે 58000 ખેડૂતોને જિલ્લામાં નુકસાન થયું છે. આશરે 61 કરોડ રૂપિયાનું નુકસાન ખેતીમાં થયું છે.

અન્ય સમાચારો પણ છે...