છોટાઉદેપુર જિલ્લામાં પાંચ વર્ષમાં દીપડાની ફોરેસ્ટ વિસ્તારમાં સંખ્યા ઘટી છે પણ દીપડા દ્વારા માલઢોરનું મરણ તેમજ મનુષ્ય ઉપર થતા હુમલા યથાવત છે. છેલ્લા ત્રણ વર્ષમાં દીપડાના હુમલામાં 4 વ્યક્તિના મોત થયા છે. જ્યારે 191 માલઢોરનું 3 વર્ષમાં દીપડાએ મારણ કર્યું છે. ફોરેસ્ટ વિસ્તારમાંથી 1 દીપડાનું ત્રણ વર્ષમાં રેસ્ક્યૂ થયું નથી. જ્યારે સંખેડા તાલુકાના નોન ફોરેસ્ટ વિસ્તારમાંથી 3 દીપડા ગત વર્ષે રેસ્ક્યૂ થયા છે.
છોટાઉદેપુર જિલ્લામાં દીપડો દેખા દેવાના કિસ્સા સૌથી વધુ સંખેડા, બોડેલી,જેતપુર પાવી અને છોટાઉદેપુર તાલુકામાં જોવા મળેલા છે. ખાસ કરીને જેતપુર-પાવી અને છોટાઉદેપુર તાલુકામાં જંગલ વિસ્તાર હોવાને કારણે આ વિસ્તારમાં દીપડા જોવા મળે છે. છોટાઉદેપુર જંગલ ખાતાની ઓફિસના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2016માં જંગલી પ્રાણીઓની ગણતરી વખતે દીપડાની સંખ્યા 82 હતી પણ 2021ની ગણતરી મુજબ દીપડાની સંખ્યા ઘટીને 72 થઈ ગઈ છે.છોટાઉદેપુર જિલ્લામાં દીપડાએ માલઢોરનું મારણ કર્યું હોય તેવો સૌથી વધુ કિસ્સા 2019-20માં સામે આવ્યા હતા. સંખેડા તાલુકાને બાદ કરતા અન્ય તાલુકામાંથી એક પણ દીપડાનું રેસ્ક્યૂ થયું નથી.
છેલ્લા 3 વર્ષમાં દીપડાએ કરેલા હુમલા અને મારણની વિગત | |||
વર્ષ | માનવમૃત્ય | માનવઇજા | માલઢોરનું મારણ |
2019-20 | 1 | 6 | 70 |
2020-21 | 2 | 19 | 68 |
2021-22 | 1 | 14 | 53 |
કુલ | 4 | 39 | 191 |
ઉપરોક્ત આંકડામાં સંખેડા તાલુકાના આંકડાનો સમાવેશ થયેલ છે |
ઉનાળામાં ખોરાકની શોધમાં દીપડા આવી જાય છે
જેતપુરપાવી અને છોટાઉદેપુર તાલુકામાં જંગલ વિસ્તાર વધારે છે. જેથી જંગલ વિસ્તારમાં ખોરાક મળી રહે છે.જંગલ ગીચ છે. પીવા માટેના પાણીની જરૂરિયાત પૂરી થાય છે. ઉનાળામાં ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી જાય છે. કૂતરાનો પણ શિકાર કરે છે. > કંચનભાઈ બારીયા, એ.સી.એફ., છોટાઉદેપુર
સંખેડા તાલુકામાં એક વર્ષમાં ત્રણ દીપડા રેસ્ક્યૂ કરાયા
વર્ષ 2021-22માં સંખેડા તાલુકાના બહાદરપુર,રઘુનાથપુરા અને વડદલી આ ત્રણ ગામોમાં ત્રણ દીપડાનું રેસ્ક્યૂ કરાયું છે. આ ત્રણેય દીપડાને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરેલા છે. આ ત્રણેય દીપડા સંખેડા તાલુકાના નોન ફોરેસ્ટ વિસ્તારમાંથી રેસ્ક્યૂ થયા હતા. > એન.ટી.બારીયા, એ.સી.એફ., સામાજિક વનીકરણ રેન્જ
સંખેડા, ડભોઇ અને તિલકવાડાના ત્રિભેટે હજી દીપડા હોવાની શક્યતા
જંગલખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ સંખેડા, ડભોઇ અને તિલકવાડા આ ત્રણ તાલુકાની સરહદો એકબીજાની એકદમ નજીક નજીક છે. નદી અને કોતર ઓળંગે એટલે દીપડો એકથી બીજા તાલુકામાં આવી જાય છે. હજી આ વિસ્તારમાં ત્રણથી ચાર દીપડા હોવાની શક્યતા છે.
3 વર્ષમાં 2 દીપડાના મૃત્યુ થયા
છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ વર્ષમાં બે દીપડાના મૃત્યુ થયા છે. જેમાં એક દીપડાનું વર્ષ 2020-21માં કૂવામાં પડી જતા અને બીજા દીપડો વર્ષ 2021-22માં ડોલરીયા રેન્જમાં કુદરતી રીતે મૃત્યુ થયેલી હાલતમાં મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.