મેઘો મહેરબાન:સંખેડા તાલુકામાં 4 કલાકમાં પોણા 4 ઇંચ વરસાદ, ભાગોળથી ચોરા સુધીના રોડ ઉપર નદી વહેતી થઇ

સંખેડા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભારે વરસાદથી સંખેડા કોલેજ અને જલારામ મંદિર વચ્ચે પાણી ભરાતાં જાણે માર્ગ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. - Divya Bhaskar
ભારે વરસાદથી સંખેડા કોલેજ અને જલારામ મંદિર વચ્ચે પાણી ભરાતાં જાણે માર્ગ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
 • સંખેડા-હાંડોદ રોડ, સંખેડા વેરાઈ માતા રોડ બંધ થયો
 • સંખેડામાં 7, વટવટિયામાં 3 ઘરમાં પાણી ભરાયાં
 • છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં મેઘો મહેરબાન

આખા જિલ્લામાં મેઘો માત્ર જાણે સંખેડા તાલુકા ઉપર જ મહેરબાન થયો હોય એમ સંખેડા તાલુકામાં શનિવારે સાંજે 4 થી 6 દરમિયાન બે કલાકમાં જ ત્રણ ઈંચ ભારે વરસાદ ખાબકયો હતો. જેને કારણે સંખેડા ગામમાં ભાગોળ વિસ્તારથી લઇ બસ સ્ટેન્ડ સુધી જાણે રસ્તા ઉપર નદી વહેતી હોય એવાં દ્રશ્યો જોવા મળ્યા હતા. જલારામ મંદિર અને કોલેજની વચ્ચે પણ પાણી ભરાયું હતું જેથી વાહન વ્યવહારને અસર થઈ હતી. સંખેડા-હાંડોદ રોડ ઉપર સુંદરવન પાસે પાણી ભરાતાં રસ્તો બંધ થયો હતો જ્યારે સંખેડા વેરાઈ માતા પાસેનો રોડ પણ બંધ થયો હતો.

જોકે સાંજે 6થી 8 દરમિયાન નસવાડી અને કવાંટ તાલુકામાં પણ મેઘો મનમૂકીને વરસ્યો હતો. સંખેડામાં સાંજે ચારથી છ વાગ્યા દરમ્યાન ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો જેને કારણે સંખેડાની ભાગોળેથી લઇ ગામના ચોરા બસ સ્ટેન્ડ સુધી પહોંચવા મીટર સુધીના માર્ગ ઉપર રસ્તા ઉપર નદી વહેતી જોવા મળી હતી. વર્ષો બાદ સંખેડામાં આજે ફરી પાછા આવા દ્રશ્ય જોવા મળ્યા હતા.

વરસાદમાં માછીપુરા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઇ હતી.
વરસાદમાં માછીપુરા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઇ હતી.

સંખેડા ગામની ભાગોળે કોલેજ અને જલારામ મંદિરની વચ્ચેના વિસ્તારમાં પણ ખૂબ જ પાણી ભરાયું હતું. ટોકરી કોતરમાં પાણી આવી જવાથી સંખેડા હાંડોદ રોડ ઉપર સુંદરવન પાસેનો રસ્તો તેમજ વેરાઈ માતા પાસેનો રસ્તો પણ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. અહીં નાળામાં પાણી આવી જવાને કારણે વાહન વ્યવહાર બિલકુલ ઠપ થયો હતો.

સંખેડા કુમાર છાત્રાલયમાં પાણી ભરાઇ જતાં 30 વિદ્યાર્થીઓને સ્થળાંતર કરાયા
સંખેડામાં ભારે વરસાદથી કુમાર છાત્રાલયમાં પાણી ભરાયું હતું. તમામ રૂમમાં પાણી ભરાતાં અનાજ પલળી ગયું હતું. વિદ્યાર્થીઓના રહેવાના રૂમોમાં પણ પાણી ભરાયા હતા. જેની જાણ થતાં સંખેડાના તલાટી હરેશભાઇ આહિર, ડે.સરપંચ હિતેશ વસાવા અને સભ્ય સમીરભાઇ રસ્તામાં પાણી હોવા છતાં જાતે ટ્રેક્ટર ચલાવી છાત્રાલય પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ માટે સંખેડા ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. છાત્રાલયના તમામ રૂમોમાં તેમજ મેદાનમાં પાણી ભરાવાને કારણે અહીં રહેતા 30 જેટલા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી. આ પરિસ્થિતિમાં ગૃહપતિ પણ હાજર નહોતા. આ બાબતે તાત્કાલિક ટીડીઓ ભૂમિકા રાઓલને પણ જાણ કરાઇ હતી.

સાધલી ગામમાં વર્ષો જૂનુ લીમડાનું ઝાડ પડવાથી અનેક વાહનોને નુકસાન
શિનોર તાલુકાના સાધલી ગામે સરદારનગર વિસ્તારમાં 8 જુલાઈની મોડી રાત્રે ચાલુ વરસાદે એક વિશાળ લીમડાનું વૃક્ષ મૂળમાંથી ધરાશાયી થતાં તેની નીચે ઊભા રાખેલા 2 નાના ટેમ્પા તથા 2 ફોરવ્હીલ ગાડીને નુકસાન થયેલ છે. જ્યારે બાજુમાં બાંધેલ ભેંસનો આબાદ બચાવ થયો છે. અન્ય કોઈ જાનહાનિ થયેલ નથી. આ લીમડો બાજુમાંથી પસાર થતી વીજ લાઇન પર પણ પડતાં એક વીજપોલ તૂટી જતાં આ પંથકમાં અંધારપટ છવાયો હતો.

સંખેડા તાલુકામાં વરસાદની સાથે સાથે

 • સંખેડા ગામમાં વિવિધ વિસ્તારમાં 7 ઘરોમાં પાણી ભરાયાં
 • વટવટિયામાં 3 ઘરમાં પાણી ભરાયાં
 • સંખેડા ભાગોળે દરગાહ સામે કેટલીક દુકાનમાં પાણી ભરાયાં
 • ભાટપુર-કાણાકુવા વચ્ચે મોટું તોતિંગ ઝાડ પડતા રસ્તો બંધ થયો
 • લુણાદ્રા ગામમાં વીજળી પડવાને લીધે એક ભેંસનું મોત
 • ચાંદપુર ગામે સંરક્ષણ દીવાલનો કેટલોક ભાગ તૂટ્યો
 • માછીપુરાની સ્કૂલની કમ્પાઉન્ડ વોલનો 15 મીટર ભાગ તૂટ્યો

ડભોઇ તાલુકાના વઢવાણા ગામે વીજળી પડતાં બે મજૂરોનાં ઘટનાસ્થળે જ મોત
ડભોઇમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે શનિવારે બપોરે બાદ એકાએક ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે તાલુકાના વઢવાણા ખાતે લીમડાના ઝાડ નીચે બે મજૂરો વરસાદમાં બેઠા હતા દરમિયાન એકાએક વીજળી પડતાં એ બંને મજૂરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વઢવાણાના ગ્રામજનોના કહેવા મુજબ ત્રણ વર્ષ પહેલાં આ જ ઝાડ પર ચોમાસા દરમિયાન વીજળી પડવાનો બનાવ બન્યો હતો. ત્યારે કોઈ જાનહાનિ થઈ ન હતી. જાણવા મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર મજૂરોના નામ પુનભાઈ તડવી ઉંમર 50 વર્ષ તેમજ કનુભાઈ પરમાર ઉંમર 55 વર્ષ જેઓ સંખેડા તાલુકાના કન્ટેશ્વરના રહેવાસી હતા. બનાવની જાણ વઢવાણાના સરપંચ પિંકલ પટેલ દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકોની ડેડ બોડીને નજીકમાં આવેલ ડભોઇ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મેવાસના આસગોલ અને પરા ગામનો એપ્રોચ પાણીમાં વહી ગયો.
મેવાસના આસગોલ અને પરા ગામનો એપ્રોચ પાણીમાં વહી ગયો.

શ્રમ યજ્ઞ કરીને ડાઇવર્ઝન માર્ગ બનાવ્યો પણ પાણી આવતાં જ ધોવાઈ ગયો, ડભોઇના પરા-આસગોલ ગામના લોકોને અસર
તાલુકાના આસગોલ ગામે 600 સ્થાનિકોને ભારે હાલાકી ઉપરવાસમાં વરસાદને પગલે હેરણ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તો બીજી તરફ એક વર્ષથી તંત્રની બેદરકારીને પગલે આસગોલ પરા વચ્ચેના મુખ્યમાર્ગ ઉપર નાળાની ધીમી કામગીરીથી ગામમાં આવવા જવા ડાયવર્ઝન ઉપર આરસીસી રોડ ગ્રામજનો દ્વારા સ્વખર્ચે બનાવાયો હતો. પણ ગતરોજ આવેલ હેરણના પૂરને પગલે એપ્રોચ રોડ પણ પાણીના પ્રવાહમાં વહી ગયો હતો. હાલ ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...