ખેડૂતોને રાહત:સંખેડા બ્રાન્ચ-કેનાલમાં પાણી છોડાતાં 37 હજાર હે. જમીનને સિંચાઈના પાણી મળશે

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભીલોડિયા, સંખેડા બ્રાન્ચ અને હરણ કેનાલમાં પાણી છોડાયું

સંખેડા તાલુકાની ભીલોડીયા અને સંખેડા બ્રાન્ચ તેમજ હેરણ કેનાલમાં પાણી છોડાતાં ખેડૂત આલમમાં આનંદની લાગણી ફેલાઇ છે. છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો દ્વારા કેનાલના પાણી છોડવા માટેની માંગ કરવામાં આવી રહી હતી. સંખેડા ધારાસભ્ય દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતાં આખરે કેનાલમાં પાણી છોડાયું હતું.

સંખેડા તાલુકાની મહત્વની ખેતીની સિંચાઇ માટેની નર્મદાની ભિલોડિયા બ્રાન્ચ કેનાલ તેમજ બીજી સંખેડા બ્રાન્ચ કેનાલ છે. ઉપરાંત સંખેડા તાલુકાના છેવાડે આવેલ હેરણ કમાન્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. જોકે હેરણ કમાન્ડ વિસ્તારની કેનાલો નવી બનવાની હોવાથી ત્યાં માત્ર 15 ડીસેમ્બર સુધી જ પાણી છોડવાનું છે. જો કે પાણી છોડતા પહેલા યુદ્ધના ધોરણે આ કેનાલની સફાઈ કરવા માટે સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી દ્વારા હેરન સિંચાઇના અધિકારીઓને સૂચના અપાઇ હતી.

હેરણ કમાન્ડ વિસ્તારની કેનાલોની સફાઈ થતાં જ તેમાં પાણી છોડી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સંખેડા તાલુકાની ભીલોડિયા બ્રાંચ કેનાલ તેમજ સંખેડા માઇનોર કેનાલમાં પણ પાણી છોડાયું છે. આ અંગે વધુ માહિતી આપતા કાર્યપાલક ઇજનેર રાજુભાઈ તડવીએ જણાવ્યું હતું કે સંખેડા તાલુકાની ભીલોડિયા બ્રાંચ અને સંખેડા બ્રાન્ચ આ ઉપરાંત વાડિયા અને તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં પણ પાણી છોડી દેવાયું છે. જેના થકી 37 હજાર હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. જોકે કેનાલની સફાઈ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જે ટેન્ડરો આવ્યા હતા. એ તમામ ટેન્ડરો શરતો મુજબ ન હોય રદ થયા છે. જેથી ફરીથી ટેન્ડર પ્રક્રિયા પણ કરેલી છે. ખેડૂતોને પાણીની જરૂરિયાત હોવાથી તાત્કાલિક પાણી છોડવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદ બંધ થતાં ખેડૂતો દ્વારા ખેતીની સિંચાઈ માટે પાણીની માંગ કરવામાં આવી રહી હતી. હાલમાં કપાસના ભાવો પણ સારા છે. જેથી જો સિંચાઇ માટે પાણી મળી રહે તો વધુ સારો પાક લઈ શકાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...