સંખેડા-બોડેલી તાલુકાના 24 ગામોની 3400 હેક્ટર જમીનને હેરણ કેનાલ આધારિત યોજનાનું પાણી સિંચાઈ માટે આ વરસે રવિ અને ખરીફ સિઝન માટે નહીં મળે. ખેડૂતો દ્વારા પાણી મળવાની આશાએ વાવેતર પણ રવિ સિઝનનું કર્યું છે. આ ખેડૂતોને હાલાકી ભોગવવી પડે એવી સ્થિતી સર્જાશે. કેનાલનું કામ નવેસરથી કરવા માટેની કામગીરી હાથ ધરાવાની હોવાથી પાણી બંધ રખાશે.સંખેડા બોડેલી તાલુકાના 24 જેટલા ગામોને ખેતીની સિંચાઈનું પાણી હેરણ કેનાલ મારફતે આપવામાં આવે છે. જોકે મોટાભાગે હેરણ કેનાલમાં હેરણ વિયર કરતા નર્મદા કેનાલનું પાણી જ ખેડૂતોને સિંચાઈ માટે અપાતું હતું.
આ વિસ્તારની કેનાલનું માળખું જ કાચી કેનાલોનું વધારે હતું. તેમજ જે સ્ટ્રક્ચર હતા તે પણ જૂના અને જર્જરિત હતા. આ કેનાલ માટે આશરે 16 કરોડ રૂપિયાના ખર્ચે નવું માળખું બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી. આનું ટેન્ડરની પ્રક્રિયા પુરી થઈ ગઈ અને હવે 10 મહિનામાં વર્કઓર્ડર આપવામાં આવશે જે બાદ કામ કરાશે. જેને ધ્યાને રાખીને પાણી સિંચાઈ માટે રવિ અને ખરીફમાં આપવામાં નહીં આવે એવી માહિતી કાર્યપાલક ઈજનેર ડી.કે.પટેલે આપી હતી.
હેરણ સિંચાઈ કેનાલ મારફતે ખેતીની સિંચાઈ માટે પાણી મળશે એ આશાએ કેટલાય ખેડૂતોએ વાવેતર કરી પણ દીધું છે. સંખેડા એપીએમસી ડિરેકટર ક્રિપાલસિંહ મહારાઉલે જણાવ્યું હતું કે,”હેરણ કેનાલ આધારિત ખેતી કરતા અનેક ખેડૂતો વાવણી કરતા પહેલા સિંચાઈનું પાણી મળશે એવી આશાએ વાવેતર કર્યું હતું. પણ હવે ઠેઠ તંત્ર દ્વારા પાણી સિંચાઈ માટે નહીં આપવાની જાહેરાત કરાતા ખેડૂતોને મુશ્કેલી પડશે. એક બાજુથી વરસાદ પણ પૂરતો પડ્યો નથી’.
28 ફેબ્રુઆરી પછી કામ કરે તો ખેડૂતોને મુશ્કેલી ના પડે
હેરણ કેનાલ આધારિત ખેતી કરતા ભાટપુર, ઇન્દ્રાલ, કાણાકુવા, વાસણા વસાહત 2 વિસ્તાર સહિતના કેટલાક ગામોમાં ખેડૂતો કપાસ અને સોયાબીન વાવે છે. સોયાબીન કાઢ્યા બાદ મકાઈ કરતા હોય છે. પણ હવે બીજું પાણી ન મળતાં મકાઈ ન કરી શકે. તેમજ કપાસ પણ પાણી મળે ત્યાં સુધી આવક થાય. પછી કપાસની ફુટ ન આવે તો કપાસ પણ કાઢી નાખવો પડે. 28 ફેબ્રુઆરી પછી કામ કરે તો ખેડૂતોને મુશ્કેલી પણ ન પડે અને 2 પાક પણ લઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.