સંખેડા તાલુકાના હાંડોદ સબયાર્ડમાં 11મા દિવસે કપાસના ભાવો સુધર્યા હતા. મંગળવારે કપાસના ભાવો ઉપરમાં 240 રૂપિયા વધ્યા હતા. સોમવારે કપાસની હરાજી વટાવના મુદ્દે બંધ રહી હતી. જે બાદ હવે મંગળવારે હરાજી રાબેતા મુજબ ચાલુ થઇ હતી.
સંખેડા એપીએમસીના હાંડોદ સબયાર્ડમાં વટાવના મુદ્દે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા વેપારીઓ સામે બાંયો ચડાવીને લડત આપી હતી. જે બાદ 15 દિવસે ખેડૂતોને વટાવ વગર પેમેન્ટ આપતા હતા તેના બદલે 10થી 11 દિવસે પેમેન્ટ કરવા વેપારીઓ સહમત થયા હતા. વટાવના મુદ્દે સોમવારે ચાલેલી બબાલને કારણે હરાજી મોકુફ રહી હતી. જોકે તે બાદ મંગળવારે એપીએમસીના હાંડોદ સબયાર્ડમાં કપાસની હરાજી રાબેતા મુજબ ચાલુ થઇ હતી. આ હરાજીમાં 41 જેટલા સાધનો આવ્યા હતા. હરાજીમાં નીચામાં રૂા.7730થી ઉંચામાં રૂા.8141 પ્રતિ ક્વિન્ટલના ભાવ પડ્યા હતા.
હાંડોદ એપીએમસીમાં કપાસના ભાવો તા.24 ડિસેમ્બરે સિઝનના સૌથી નીચા 7600થી 7901 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના પડ્યા હતા. જે બાદ તા.3 જાન્યુઆરીએ કપાસના ભાવોમાં થોડો સુધારો નોંધાયો છે. એપીએમસીના સૂત્રોના જણાવ્યાનુસાર તા.3 જાન્યુઆરીએ કપાસના ભાવો નીચામાં 7730થી 8141 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના પડ્યા હતા. આમ 11 દિવસ બાદ કપાસના ભાવોમાં પ્રતિ ક્વિન્ટલ 240 રૂપિયાનો સુધારો આવ્યો હતો. કલેડિયા સેન્ટર ઉપર 2 જાન્યુઆરીથી હરાજી ચાલુ થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.