ભાસ્કર વિશેષ:પાનીયાપુરા શાળાના 2 વિદ્યાર્થી વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેશે

સંખેડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાના આચાર્યે સ્વખર્ચે બે વિદ્યાર્થી અને એક શિક્ષકને પ્લેનમાં ગૌહાટી મોકલ્યા

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી સંખેડા તાલુકાની નર્મદા વસાહત પાનીયાપુરા-1 પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા રાષ્ટ્રીય કક્ષાએ ગૌહાટી ખાતે ગયા હતા. ટ્રેનમાં જવા માટે ટિકિટ કન્ફર્મ મળતી નહોતી. તો શાળાના મુખ્ય શિક્ષક હૃદયકાંતભાઈ પટેલે 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને પ્લેનમાં જવા આવવાની ટિકિટ પણ કઢાવી આપી હતી.

આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લા માટે ગૌરવરૂપ વાત સામે આવી છે. સંખેડા તાલુકાની નર્મદા વસાહત પાનીયાપુરા-1 પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ બારીયા યશ જગદીશભાઈ અને બારીયા ફાલ્ગુન સંજયભાઈ આ બંને વિદ્યાર્થીઓ ગત વર્ષે યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્યકક્ષાએ પ્રથમ આવ્યા હતા.

હવે રાષ્ટ્રીય કક્ષાએ તેમની પસંદગી થઈ છે. શાળાના મુખ્ય શિક્ષક હૃદયકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, \"અમારી શાળાના યશ બારીયા અને ફાલ્ગુન બારીયા બંને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગત વર્ષે પ્રથમ ક્રમે આવ્યા હતા. જેમાં તેમની કૃતિ સમમિતિનું ગાણિતિક મોડલ, પ્રતિબિંબ સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ ગત વર્ષે ઓનલાઈન યોજાયેલા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ આવી હતી.જે બાદ હવે રાષ્ટ્રીય કક્ષાએ અમારી શાળા પસંદગી પામી છે. રાજ્યમાંથી કુલ 13 શાળાઓ પસંદ થઈ છે.

જેમાં છોટાઉદેપુર જિલ્લામાં અમારી સરકારી પ્રાથમિક શાળા છે. રાષ્ટ્રીય કક્ષાએ આસામના ગૌહાટી ખાતે શ્રીમંત શંકરદેવ ક્લાક્ષેત્ર, પંજાબારી ગૌહાટી ખાતે તા.22થી 27 દરમિયાન યોજાશે. અમારી શાળા પસંદ થઈ હોવાની જાણ કરતો પત્ર મળતાં ટ્રેનની ટિકિટ માટે તપાસ કરી હતી. જોકે ટિકિટ વેઇટિંગમાં હતી. કન્ફર્મ ટિકિટ મળતી નહોતી. જેથી પ્લેનની ટિકિટની તપાસ કરતાં કન્ફર્મ ટિકિટ મળી હતી. જેથી બંને વિદ્યાર્થીઓ યશ તેમજ ફાલ્ગુન અને શાળાના એક શિક્ષક ધર્મેન્દ્રભાઈ ચૌહાણને પ્લેનમાં ગૌહાટી મોકલ્યા છે. તેઓ ત્યાંથી પરત પણ પ્લેનમાં જ આવશે.’

અન્ય સમાચારો પણ છે...