પાણી માટે રઝળપાટ:મંગલભારતી કોલોનીની 150ની વસતીના મીઠા પાણી માટે પોકાર

સંખેડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંગલભારતી કોલોની પાણીની સમસ્યા હોવાથી લોકોને રઝળપાટ કરવું પડે છે. - Divya Bhaskar
મંગલભારતી કોલોની પાણીની સમસ્યા હોવાથી લોકોને રઝળપાટ કરવું પડે છે.
  • મીઠા પાણી માટે ટાંકી બનાવાઈ પણ હજી એક ટીપું પાણી પડ્યું નથી
  • સ્થાનિક ટ્યૂબવેલનું પાણી ક્ષારવાળું હોવાથી પાણી માટે અડધા કિમીનો ફેરો

આશરે 150 માણસોની વસ્તી ધરાવતી મંગલભારતી કોલોનીમાં ઉનાળાના આરંભે પીવાના પાણીના પોકાર ઊઠ્યા હતા. મંગલભારતી વસાહતમાં આવતું પંચાયતના બોરનું પાણી ક્ષારવાળું હોઇ ગ્રામજનોને અડધો કિલોમીટર દૂર એક સંસ્થાએથી પાણી ભરવા માટે જવું પડે છે. અહીંયા પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાંકી બનાવાઇ છે પરંતુ એક વર્ષથી શોભાના ગાંઠિયાની જેમ આ પાણીની ટાંકી પડેલી છે. સંખેડા તાલુકાના મંગલભારતી કોલોની ખાતે આશરે 150 માણસોની વસ્તી છે.

આ વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવા માટે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ટ્યૂબવેલ કરવામાં આવ્યો છે. પરંતુ તેનું પાણી ક્ષારવાળું હોઇ સ્થાનિક લોકો પીવા માટે આ પાણીનો ઉપયોગ કરતા નથી. પરંતુ નજીકમાં આવેલી એક સંસ્થાએથી પાણી ભરીને લાવે છે. આશરે અડધો કિલોમીટર દૂરથી સ્થાનિકો લાંબા સમયથી પાણી ભરી લાવે છે.

આ લોકોની પીવાના મીઠા પાણીની સમસ્યા હલ કરવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંખેડા બોડેલી જૂથ પાણી પુરવઠા યોજના ભાગ 3 અંતર્ગત પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો છે. પીવાના પાણીની આ યોજનાનું ગત વર્ષે છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ પણ કરાયું હતું. લોકાર્પણ થઈ ગયું હોવા છતાં હજી સુધી મંગલભારતી વસાહતના રહીશોને આ ટાંકીનું પાણી પીવા માટે મળ્યું નથી.

એક લીકેજ છે એ કાલે રિપેર કરાવી લઈશું
એક લીકેજ છે. એ કાલે રિપેર કરાવી લઈશું. સંપ સુધી પાણી પડે છે. જી.ઇ.બી.માં એપ્લાય કર્યું છે. પણ હજી સુધી આવ્યું નથી. જી.ઇ.બી.આવશે ત્યારે પંપિંગ કરીને પાણી વિતરણ કરીશું. - આઈ.કે.રાઠોડ, ડેપ્યૂટી એન્જિનિયર, બોડેલી પાણી પુરવઠા

ટ્યૂબવેલ બનાવવામાં આવેલો છે
મંગલભારતી વસાહતમાં આશરે 150 માણસોની વસ્તી છે. તેમના પીવાના પાણી માટે ટ્યૂબવેલ બનાવેલો છે. પંચાયત દ્વારા તેનું સંચાલન કરાય છે. આ પાણી કદાચ ક્ષારવાળું લાગતું હશે તો નજીકની સંસ્થામાંથી ત્યાંના લોકો પાણી ભરી લાવતા હશે. બાકી પાણીની લાઈન પણ ગ્રામ પંચાયત દ્વારા ઘરે-ઘરે કરેલી છે. - નીરવ તડવી, માજી સરપંચ, ગોલાગામડી ગ્રામ પંચાયત

ટાંકીમાં હજી એક ટીપું પાણી આવ્યું નથી
ટાંકી બનાવ્યાને દોઢ વરસ થયું હજી એક ટીપું પાણી આવ્યું નથી. પાણી લેવા માટે બે કેનાલ કૂદીને જવું પડે છે. કેનાલમાંથી લાવીએ અથવા નજીકની સંસ્થામાંથી પણ લાવીએ. - સતીષભાઈ, રહીશ, મંગલભારતી કોલોની

અન્ય સમાચારો પણ છે...