ભાસ્કર વિશેષ:કન્ટેશ્વરની નવીનગરીમાંથી 135 લોકોનું રેસ્ક્યુ કરાયું

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ.ડી.આર.એફની ટીમે બિમાર વ્યક્તિને ખાટલામાં સુવડાવી રેસ્ક્યુ કર્યું

છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે સંખેડા તાલુકાના કંટેશ્વર ગામની નવીનગરી પણ કુદરતના કોપથી બાકાત રહી નથી. નવીનગરીમાં ભરાયેલા વરસાદી પાણી દરમિયાન માનવતાને મહેકાવતા દૃશ્ય જોવા મળ્યા હતા. એસ.એડી.આર.એફ-9ની ટીમે કેન્સરગ્રસ્ત વ્યક્તિને ખાટલામાં સુવડાવી તેમજ લકવાગ્રસ્ત વ્યક્તિને ઉંચકીને તેમજ બાળકોને ખભે બેસાડીને રેસ્ક્યુ કર્યા હતા.

કુદરતે વરસાવેલા ભારે વરસાદ દરમિયાન સંખેડા તાલુકામાં પણ ભારે વરસાદને કારણે કંટેશ્વર ગામના નવીનગરી ફળિયામાં પણ વરસાદી પાણી ઘરોમાં ઘુસી જતા ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. ગામમાં થયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બરોડા એસ.ડી.આર.એફની ટીમ નં-9ને બચાવ કામગીરી માટે કંટેશ્વરના નવીનગરી ખાતે ડિપ્લોય કરવામાં આવી હતી.

એસ.ડી.આર.એફની ટીમ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી જોતરાઇ ગઇ હતી. બચાવ અને રાહત કામગીરી દરમિયાન કેન્સરગ્રસ્ત વ્યક્તિ ચાલીને નીકળી શકે એમ ન હોવાનું ધ્યાને આવતા એસ.ડી.આર.એફની ટીમે એક વ્યક્તિને ખાટલા સહિત ઉચકીને સલામત સ્થળે ખસેડ્યા હતા.

આ ઉપરાંત આ જ ગામના એક વ્યક્તિ કે જે લકવાગ્રસ્ત હોવાને કારણે એ પણ પોતાની મેળે ચાલી શકે એમ ન હોઇ ટીમના બે જવાનોએ એમને પણ ઉંચકીને બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત ફળિયાના અન્ય નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

એસ.ડી.આર.એફ ટીમના જવાનોએ નાના બાળકોને ખભે બેસાડી રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડયા હતા. એસ.ડી.આર.એફ-9 ગૃપના જવાન વિજયકુમાર નિનામાએ આ અંગે જણાવ્યું હતું કે, જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે મામલતદારે હુકમ કરતા કંટેશ્વર ગામના નવીનગરી ફળિયામાં પાણીમાં ફસાયેલા ૧૩૫ નાગરિકોને સ્થાનીય પ્રશાસનને સાથે રાખી રેસક્યુ કરીને ગામની શાળામાં સલામત સ્થળે ખસેડયા હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...