ભાદરવો ભરપુર:છોટાઉદેપુર તાલુકામાં સિઝનનો 123 ટકા વરસાદ : સંખેડા, બોડેલી, નસવાડીમાં ઘટ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવા નીર : સંખેડા નજીક ઉચ્છ અને ઓરસંગનો સંગમ - Divya Bhaskar
નવા નીર : સંખેડા નજીક ઉચ્છ અને ઓરસંગનો સંગમ
  • ઓરસંગ, ઉચ્છ સહિતની નદીઓમાં વધુ એક વખત પાણીની આવક થઇ : પાણી ભરાતાં રાહદારીઓ હેરાન
  • કવાંટમાં 85, જેતપુર પાવીમાં 82% વરસ્યો
  • સંખેડામાં દિવસ દરમિયાન 2 ઇંચ વરસાદ ખાબક્યો : સંખેડા કોલેજ પાસે અને માછીપુરા-તલકપુર વચ્ચે પાણી ભરાતાં લોકોને હાલાકી

સંખેડા તાલુકા સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ચાલુ રહેતા ઓરસંગ, ઉચ્છ સહિતની નદીઓમાં વધુ એક વખત પાણીની આવક થઇ હતી. જિલ્લામાં એક માત્ર છોટાઉદેપુર તાલુકાનો વરસાદ 100 ટકાને પાર થઇ 122.80 ટકા થઇ ચુક્યો છે. જોકે હજી સંખેડા, બોડેલી અને નસવાડી તાલુકામાં વરસાદની ઘટ છે.

સંખેડા તાલુકામાં શુક્રવારે સવારથી સાંજ સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા ભાગોળે જલારામ મંદિર અને કોલેજ વચ્ચે પાણી ભરાયું હતું. માછીપુરાથી તલકપુર જવાના રસ્તા ઉપર પાણી ભરાતા આવ-જા કરતા લોકોને મુશ્કેલી પડી હતી. ઓરસંગ અને ઉચ્છ નદીમાં પાણી આવ્યું હતું. સંખેડા તાલુકામાં જાણે ભાદરવો ભરપૂર હોય એમ વરસાદ વરસી રહ્યો છે. સંખેડા તાલુકામાં સવારે છ વાગ્યા સુધીનો વરસાદ 29 મી.મી.(એક ઇંચથી વધુ) પડ્યો હતો. સવારથી જ સંખેડા તાલુકામાં વરસાદી વાતાવરણ છવાયું હતું.

સવારથી જ વરસાદ ચાલુ રહેવાના કારણે રસ્તા પાણી-પાણી થતા હતા. ખાસ કરીને સંખેડા ગામની ભાગોળે જલારામ મંદિર અને કોલેજની વચ્ચે પાણી ભરાયું હતું. પાણી ભરાવાના કારણે અહિયાથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સંખેડા તાલુકાના માછીપુરા ગામેથી તલકપુર તરફ જવાના રસ્તા ઉપર કોતરનું પાણી આવી જતા રાહદારીઓને અવર-જવરમાં મુશ્કેલી પડી હતી.

અહીંયા સ્થાનિકો નાળું બનાવવા માટેની ઘણા સમયથી માંગ કરી રહ્યા છે. પણ તંત્ર દ્વારા નાળુ ન બનાવાતા રાહદારીઓ તેમજ શાળાએ જતા આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સંખેડા પાસેથી પસાર થતી ઓરસંગ અને ઉચ્છ નદી કાઠે બે વહેતી જોવા મળી હતી. સંખેડા સ્થાનિક ડિઝાસ્ટર શાખાના સૂત્રોના જણાવ્યાનુસાર સંખેડા તાલુકામાં સવારથી સાંજ સુધીમાં 52 મી.મી. વરસાદ પડ્યો હતો.

બોડેલીમાં ત્રણ ઇંચ વરસાદ પડતાં ખેડૂતો ખુશ
ભાદરવા મહિનામાં વરસાદ પડવાનું શરૂ થતાં જ ગરમીથી લોકોએ છુટકારો મેળવ્યો હતો. ગુરુવારે રાતે મુશળધાર વરસાદ પડ્યો, તે બીજે દિવસે ચાલુ રહ્યો અને શુક્રવારે પણ દિવસભર વરસાદ ચાલુ રહેતા કુલ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ધમાકેદાર વરસાદથી ખેડૂત આલમ ખુશ હતો પણ ગણેશોત્સવ ઉજવી રહેલા યુવક મંડળો સતત વરસાદથી ચિંતિત જોવા મળ્યો હતો. વરસાદી વાતાવરણથી ઠંડક રેલાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યા પણ ઊભી થઈ હતી.

ડભોઇમાં 18 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો
ડભોઇ સહિત તાલુકા ભરમાં રાત્રીથી વરસાદે બેટિંગ શરૂ કરી છે. ત્યારે પંથકમાં છેલ્લા 18 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી જતાં રોડ રસ્તા ઉપર પાણી પાણી જોવા મળ્યું હતું. સાથે પવનના સુસવાટા સાથે પડેલ વરસાદને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રશરી જવા પામી હતી. ડભોઇ સહિત પંથકના અનેક વિસ્તારોમાં ગત મોડી રાત્રીથી પવનના સુસવાટા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો.

સમગ્ર પંથકમાં ઠંડક પ્રશરી જવા પામી હતી. છેલ્લા 18 કલાકમાં ડભોઇ પંથકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સિઝનનો કુલ 600 મિમી વરસાદ નોંધાયો છે. ખેડૂતોના પાકને પાણી મળતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. સમગ્ર પંથકના રોડ રસ્તા ઉપર પાણી પાણી જોવા મળ્યું હતું. નગરના અનેક વિસ્તારો જેમાં ટાવર બજાર, એસ.ટી.ડેપો. સેવાસદન, સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...