પાવી જેતપુરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ મુખ્યમંત્રીના આગમન ટાણે જાતિના દાખલાનો રાગ ફરીથી આલાપ્યો છે અને પસંદગી પામેલા લોકોને શરતી નોકરીના હુકમ આપવાની વાત કરી હતી. જ્યારે બીજી બાજુ આદિવાસી સમાજ દ્વારા આજે કલેક્ટરને જાતિના દાખલા અને અન્ય પ્રશ્નોના મુદ્દે નિરાકરણ લાવવા અને મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કરવા માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ આવતીકાલે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવનાર છે ત્યારે તેમના આગમન ટાણે ફરીથી જાતિના દાખલાનો રાગ આલાપ્યો છે અને એલઆરડી, આરોગ્ય વિભાગ, વાહનવ્યવહાર વિભાગ, સચિવાલયની ભરતીની પરીક્ષામાં જિલ્લાના લગભગ 400થી 500 જેટલા લોકો પાસ થયા છે. જેઓને જાતિના દાખલાને લઈને હજુ સુધી નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા નથી. જેઓને શરતી નોકરી આપવાની વાત કરી છે.
તેઓએ જણાવ્યું કે માધુરી પાટિલના કેસના હાઇકોર્ટના ચૂકાદાને આધારે શરતી નોકરી આપી શકાય તેમ છે. અમે પણ મંત્રી તથા સચિવઓને આ મુદ્દે રજૂઆતો કરી છે અને શરતી નોકરીના હુકમો કરવામાં આવે તેવી માંગણી કરી છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી જ્યારે છોટાઉદેપુર આવે છે ત્યારે આ બાબતમાં રાજ્યના આદિજાતિ મંત્રીની સાથે પરામર્શ કરીને શરતી નોકરીના હુકમો કરે અને જાતિ અંગેના પ્રમાણપત્રો ચકાસવાની કામગીરીની જે કટ ઓફ ડેટ 1976ને ધ્યાનમાં રાખીને નવો કાયદો બનાવવામાં આવ્યો છે. એ કાયદાનો અમલ પણ થાય. જેથી રાજ્યના આદિવાસીઓને તેનું નુકસાન ન થાય.
મુખ્યમંત્રી જ્યારે છોટાઉદેપુર આવે છે ત્યારે આદિવાસી સમાજ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ મુદ્દે પણ સુખરામ રાઠવાએ જણાવ્યું કે લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે. આદિવાસી સમાજ ભાજપના શાસનથી નારાજ છે. આદિવાસી સાચા હોવા છતાં પણ પૂરતા પુરાવા આપવા છતાં પણ નોકરી મળતી નથી.
ઓર્ડર મળતા નથી. જે વિરોધ થઈ રહ્યો છે. તે સ્વાભાવિક છે, ત્રણ વર્ષ થવા છતાં આનો ઉકેલ ન આવે તો સ્વાભાવિક છે લોકોની લાગણી ઉશ્કેરાય પણ ખરી અને કાળા વાવટા બતાવી પણ શકે છે. આદિવાસીઓના જાતીના દાખલા મુદ્દે હવે આદિવાસીઓએ આરપારની લડાઈ કરવાની તૈયારીઓ કરી લીધી છે, અને મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.