વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે:નોકરી ન મળતાં જલોદા શાળાનાં જમીન માલિકે તાળાં મારી દીધાં

પાવી જેતપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્યાહન ભોજન સંચાલક તરીકે નોકરી આપવાની શરતે જમીન આપી હતી

છોટાઉદેપુર જિલ્લામાં શાળાની શરૂઆત થવા છતાં જલોદા પ્રાથમિક શાળાને ખંભાતી તાળા જોવા મળતા હતા. ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જલોદા ગામની પ્રાથમિક શાળાને ખંભાતી તાળા વાગેલા છે. જલોદા પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના શાળામાં 8 શિક્ષકો અને 208 વિદ્યાર્થીઓ છે. જ્યારે જમીન માલિકે જમીન આપી ત્યારે મધ્યાહન ભોજન સંચાલક તરીકે નોકરી આપવાની શરતે જમીન આપી હતી.

પરંતુ મધ્યાહન ભોજનના સંચાલક તરીકે ગામના જ અન્ય વ્યક્તિને લઇ લેતા જમીન માલિક વિફર્યા હતા અને ગઈકાલે જ શાળામાંથી વિદ્યાર્થી અને શિક્ષકોને બહાર કાઢીને તાળા મારી દીધા હતા. શાળા બંધ હોવા છતાં વિદ્યાર્થીઓ શાળાએ આવીને રમત રમતા નજરે પડ્યા હતા. 24 કલાક થવા છતાં વહીવટીતંત્ર દ્વારા શાળા ચાલુ કરવા મુદ્દે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા શાળાના 208 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે.

આ અંગે તાલુકા શિક્ષણાધિકારી અરવિંદભાઈ રાઠવાને ટેલિફોન દ્વારા પૂછતાં તેઓએ મધ્યાહન ભોજન સંચાલકનો પ્રશ્ન છે એટલે અમે મામલતદારને જાણ કરી છે તેવું જણાવ્યું હતું.આ અંગે શાળાના આચાર્ય શૈલેષભાઇ રાઠવાને ટેલિફોન દ્વારા પૂછતાં તેઓએ આ મુદ્દે ઉપલા અધિકારીઓને જાણ કરી છે અને અમને પુનિયાવાંટ ગ્રૂપ શાળામાં બેસવાનું કહેતા અમે પૂનિયાવાંટ પ્રાથમિક શાળામાં છીએ.

અન્ય સમાચારો પણ છે...