દીયાવાંટમાં અંધારું:પ્રાથમિક શાળાના 98 બાળકોને ભણાવવા તિરાડોવાળી દીવાલો, પોલી છતવાળા વર્ગો છે

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર તંત્રની બેદરકારીના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહેવાની ભીતિ
  • એક ઓરડામાં ટીવી મૂકાય એટલું મોટું ગાબડું પડ્યું : દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ, પતરાં પણ પોલા થઈ ગયા

છોટાઉદેપુર જિલ્લાના સરહદી ગામ દીયાવાંટમાં પ્રાથમિક શાળાની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. હાલમાં બાળકોને બેસાડવા માટે એક પણ ઓરડો નથી. વહીવટી તંત્રની બેદરકારીના કારણે અહીંના આદીવાસી બાળકો શિક્ષણથી વંચીત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકાના મધ્ય પ્રદેશની સરહદે આવેલા દીયાવાંટ ગામમાં 1થી 5 ધોરણની શાળા આવેલી છે. આ પ્રાથમીક શાળાના બંને ઓરડાની હાલત ખૂબ જ ખરાબ છે. આ શાળાના એક ઓરડામાં તો જાણે દીવાલમાં ટીવી મૂક્યું હોય તેમ મોટું ગાબડું પડ્યું છે. જેમાંથી સૂર્ય પ્રકાશ ઓરડામાં આવે છે. અને ઉપરના પતરામાંથી પણ જાણે આકાશ નજરે પડે તેવા પોલા થઈ ગયા છે. જ્યારે બીજા ઓરડામાં આચાર્યની ઓફિસ બનાવી છે. જેમાં પણ શિક્ષણકાર્ય કરાવતા હોવાનું જણાવી રહ્યા છે. આ ઓરડાની દીવાલોમાં મોટી મોટી તીરાડો પડી ગઈ છે. પતરા પણ પોલા થઈ ગયા છે જેમાથી ચોમાસા દરમીયાન પાણી પણ ટપકે છે. અને ગમે ત્યારે ઓરડા પડી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

મહત્વની વાત એ છે કે હાલ તો 1થી 5 ધોરણના બાળકોને શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ આગામી સમયમાં જ્યારે શાળા શરૂ થશે. ત્યારે આટલા બધા બાળકોને શિક્ષણ કાર્ય કરવા બેસાડવા ક્યા? તે સવાલ સ્થાનિક શિક્ષકો માટે માથાનો દુ:ખાવો થઈ પડ્યો છે.

તંત્ર બાળકો માટે ઓરડાની વ્યવસ્થા કરી શક્યું નથી
દીયાવાંટ પ્રાથમીક શાળાના ઓરડા વર્ષ 1986-87માં બનાવ્યા હતા. જે સંકલીત આદીજાતી વિકાસ પ્રાયોજના વિભાગ તરફથી બનાવવામાં આવ્યા હતા. સરહદી વિસ્તારના આદીવાસીઓ માટે શિક્ષણ, આરોગ્ય અને રસ્તા માટે ટ્રાઈબલની અલગથી ગ્રાંટ પણ ફાળવાવામાં આવે છે. તેમ છતાય સરહદી વિસ્તારના દીયાવાંટ ગામની પ્રાથમીક શાળાની હાલત આટલી હદે ખરાબ થાય ત્યાં સુધી પરસ્થિતિ પહોંચી ગઈ છતાં વહીવટી તંત્ર આ ગામના બાળકો માટે ઓરડાની વ્યવસ્થા કરી શક્યું નથી.

બે ઓરડા જર્જરિત છે, અમે દરખાસ્ત કરેલી જ છે
અમારી શાળામાં 98 બાળકોની રજિસ્ટર સંખ્યા છે. 3 શિક્ષકો ફરજ બજાવે છે. અત્યારે તો શેરી શિક્ષણ ચાલે છે. અમારી શાળામાં બે ઓરડા છે. બંને ઓરડા એકદમ જરજરીત છે. અમે દરખાસ્ત કરેલી જ છે. 27 ડિસેમ્બર 2017ના રોજ ઓરડા તોડવાની મંજૂરી મળેલી છે. પરંતુ નવા બનાવવાની મંજૂરી જ્યાં સુધી ના મળે ત્યાં સુધી જૂના પાડવા નહિ તેવી લેખિત સૂચના અમને મળી છે. લોકડાઉન પહેલા ગામમાં એક જગ્યાએ અને શાળાના કંપાઉન્ડમાં બાળકોને બેસાડતા હતા. > હમીરભાઈ રાઠોડ, આચાર્ય, દીયાવાંટ પ્રાથમિક શાળા

અન્ય સમાચારો પણ છે...