તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:પાવીજેતપુરમાં વરસાદે હાથતાળી આપતાં જગતનો તાત ચિંતિત બન્યો

કદવાલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડુંગરવાંટ ગામે આવેલા સુખી જળાશયની તસવીર. - Divya Bhaskar
ડુંગરવાંટ ગામે આવેલા સુખી જળાશયની તસવીર.
  • મોંઘા ભાવના બિયારણો, ખાતરો લાવી પાકની વાવણી કરી
  • વરસાદ ખેંચાતા ખેડૂતોને રાતાં પાણીએ નાવાનો વારો આવ્યો

હાલ વરસાદ ખેંચાતા પાવીજેતપુર તાલુકામાં આવેલા સુખી જળાશય વિસ્તારમાં આવતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં પ્રથમ વરસાદે જ ખેતરોમાં મોંઘા ભાવે બિયારણો, ખાતરો લાવી પાકની વાવણી કરી દીધી હતી. ત્યારબાદ વરસાદે હાથતાળી આપી લાંબો સમય વિરામ લેતા વાવણી કરેલ પાકમાં ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવે ઉગીને તૈયાર થયેલા પાક જેવા કે સોયાબીન, કપાસ, તુવર, ડાંગર જેવા પાકોમાં પિયતની ખૂબ જરૂર પડી રહી છે.

જેથી ઉગીને તૈયાર થયેલા ખેતરોમાં પાક મુરઝાવા લાગ્યા છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આમ, છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટો ગણાતો એવો સુખી જળાશય જે પાવીજેતપુર તાલુકાનાં ડુંગરવાંટ ગામ ખાતે આવેલ છે.

જેની પૂર્ણ જળાશયની સપાટી 147.82 મીટર, મહત્તમ પુર સપાટી 148.30 મીટર, જળાશયની કુલ સંગ્રહશક્તિ 175.14 મિલિયન ઘન મીટર, જળાશયની જીવન સંગ્રહશક્તિ 164.24 ઘન મીટર, જળાશયની મૃત સંગ્રહ શક્તિ 10.90 મિલિયન ઘન મીટર ( 1 મિલિયન= 10 લાખ) જે સુખી જળાશય યોજનામાંથી છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર , સંખેડા, હાલોલ, છોટાઉદેપુર અને જાંબુઘોડા વિસ્તારના કુલ 131 ગામોની 20701 હેક્ટર જમીનમાં પિયત માટે મદદરૂપ થાય છે.

હાલ સુખી જળાશય માં ગયા વર્ષે પડેલ વરસાદી પાણીની મહત્તમ પૂર સપાટી 142.01 મિલિયન ઘન મીટર છે જે 36 ટકા જેટલું પાણીનો સંગ્રહ છે. પણ હાલ વરસાદ ખેંચાતા સુખી જળાશયની આસપાસનાં વિસ્તારોના ખેડૂતોની માગ ઉઠવા પામી છે કે પ્રથમ વરસાદે જે વાવેતર કરેલા પાક ઉગીને તૈયાર તો થઈ ગયા છે જો સુખી જળાશયમાંથી એકાદ પિયત મળી જાય તો અમારા વોવેલ પાકને જીવનદાન મળી જાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

બે વર્ષથી કોરોના કાળમાં ખેડૂતો આર્થિક રીતે તૂટી ગયા
હાલ ખેડૂતો દિવસને દિવસે પાયમાલ થતાં હોય તેમ લાગી રહ્યું છે. કારણકે છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં ખેડૂતો આર્થિક રીતે તૂટી ગયા છે. ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર, બિયારણો લાવી પોતાના ખેતરોમાં વાવણી કરી દીધી છે.

તેવા જ સમયે વરસાદે હાથતાળી દઈ રિસાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે અને ગરમી ભરપૂર થવાના કારણે ઊગીને તૈયાર થયેલ પાકમાં હવે પાણીની જરૂર છે તો વરસાદ પડતો નથી. અમારા વિસ્તારમાં આવેલ સૌથી મોટો સુખી જળાશયમાં પાણી ભરપૂર છે તો ખેડૂતોને એક પિયતનું પાણી મળે તેમ છે તો સુખી જળાશયના કર્મચારીઓ ખેડૂતોની ચિંતા કરી એકાદ એક પિયતનું પાણી આપે તો ખેડૂતોના ઉભેલા પાકમાં જીવનદાન મળી જાય.મોંઘા ભાવે લાવેલ બિયારણોનો ખર્ચ પણ બચી જાય તેમ છે. સુખી જળાશયમાંથી એકાદ પાણી મળે તેવી મારી લાગણી અને માગણી છે. -ચન્દ્રસિંહ રાઠવા ઉર્ફે શેખર, સામાજિક કાર્યકર

સુખી જળાશયમાં 36% જેટલા પાણીનો સંગ્રહ છે
હાલમાં સુખી જળાશયમાં ગયા વર્ષે પડેલ વરસાદી પાણીની આવક થઈ છે. જેમાં હાલ મહત્તમ પૂર સપાટી 142.01 મિલિયન ઘન મીટર એટલે કે 36 ટકા જેટલું પાણીનો સંગ્રહ છે. જો ખેડૂતો એકાદ પીયતનાં પાણીની માગણી કરે તો ખેડૂતોને પિયતનું પાણી આપવામાં આવે તેટલું સુખી જળાશયમાં સંગ્રહ છે. > જી.બી.બારીયા, સુખી જળાશય, ક્લાર્ક

અન્ય સમાચારો પણ છે...