બેદરકાર તંત્ર:કેવડા ગામનાં પૂંજારીયા ફળિયામાં પીવાના પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની

કદવાલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસ્મો યોજના અંતર્ગત બે વર્ષ અગાઉ લાખોનાં ખર્ચે ટાંકી બનાવાઈ હતી
  • ~9,81,826નાં માતબર રકમનો ખર્ચ કરી બનાવાયેલ પાણીની યોજના સદંતર ફેલ

પાવીજેતપુર તાલુકામાં અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં અંદાજે 1200 લોકોની વસ્તી ધરાવતું કેવડા ગામનાં પૂંજારીયા અને નાયક ફળિયામાં વાસ્મો અંતર્ગત બે વર્ષ અગાઉ બે પાણીની ટાંકીઓ બનાવી પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે સુધી પીવાનાં પાણીની યોજના શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ પૂજારીયા ફળિયામાં બનાવાયેલ પાણીની ટાંકીમાંથી બે વર્ષ વિતી ગયા પરંતુ આજદિન સુધી પૂંજારીયા ફળિયાના લોકોને પીવા માટે પાણીનું એક ટીપુંય ન આવતા ફળિયામાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકાનાં કેવડા ગામમાં લાંબી લાંબી પાઈપલાઈનો પાણીની ટાંકીઓ અને દરેક ઘરમાં પાણીનો નળ જોવા મળશે પરંતુ આ નળમાંથી આજ દિન સુધી એક ટીપું પણ આવ્યું નથી. અધિકારીઓનાં કારણે આ વાત કરતા તેઓ પણ સાંભળતા ન હોય તેમ સ્થાનિક લોકોનું કહેવું છે.

અમારા ગામમાં સરકારે વાસ્મો યોજના અંતર્ગત ઘર સુધી પીવાનાં પાણીની પાઇપલાઇન થકી મળે તે માટેની મંજૂરી આપવામાં આવી વાસ્મો યોજના અંતર્ગત લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. તેનું કામ પૂર્ણ થયું પરંતુ આ અંગે ગામ લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરો, સરપંચ અને અધિકારીઓએ પારાવાર ભ્રષ્ટાચાર કર્યો છે તેની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરે અને તમામ લોકોનાં ઘરોમાં પાણી પહોંચે તેવી કેવડા ગામ લોકોની માગ છે

પાણીની ટાંકી બનાવ્યે 2 વર્ષ થઇ ગયા પણ પાણી મળ્યું નથી
પાણીની ટાંકી બનાવીએ બે વર્ષ થઇ ગયા પણ અત્યાર સુધી અમને પાણી મળ્યું નથી. અમારે દૂર સુધી આવેલ કૂવામાંથી પાણી ભરીને લાવવું પડે છે. અમને પાણીની ટાંકીમાંથી પાણી મળે તો સારું એવી અમારી માગ છે. - રેવાબેન રાઠવા, કેવડા ગામ,

અમારે માથે બેડા મૂકીને દૂર દૂર સુધી પાણી લેવાં જવું પડે છે
અમારા પૂંજારીયા ફળિયામાં બે વર્ષ અગાઉ વાસ્મો યોજનાની પાણીની ટાંકી બનાવી છે અને ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા નળ ગોઠવી દેવામાં આવ્યા છે. જે બે વર્ષ વિતી ગયા પરંતુ ટાંકી બનાવ્યાનાં આજદિન સુધી ટીપુંય પાણી મળ્યું નથી અને પાણીની પાઇપલાઇનો, પાણીનાં નળ તૂટી ગયા છે. જેથી પાણી ઘરો સુધી પહોંચતું નથી અને અમારે માથે બેડા મુકીને દૂર દૂર સુધી પાણી લેવાં માટે જવું પડે છે. અમારા મુંગા પશુઓને પાણી પીવડાવવા માટે પણ ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેથી અમારી માગ છે કે આ પાણીની લાઈન રિપેર કરી આપે અને અમારા ઘરો સુધી પાણી મળી રહે તેવી અમારી માગ છે. - ગંગાબેન રાઠવા, કેવડા ગામ,પૂજારીયા ફળિયા

અન્ય સમાચારો પણ છે...