તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:પાવીજેતપુરમાં મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે મેઘાની પધરામણી : 14 મિમી વરસાદ નોંધાયો

પાવીજેતપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં 3-4 વર્ષોથી વરસાદની અનિયમિતતાથી ખેડૂતોની મૂંઝવણ વધી
  • તાલુકામાં આગળનો 141 એમ.એમ. મળી કુલ 155 એમ.એમ. વરસાદ નોંધાયો

પાવીજેતપુરમાં મોડી રાત્રિએ ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. જેમાં 14 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધી પાવીજેતપુર તાલુકાનો કુલ 155 એમએમ વરસાદ થવા પામ્યો છે. જૂન મહિનાની શરૂઆતથી જ છુટાછવાયાં વરસાદી ઝાપટાંની એન્ટ્રી થવા લાગી હતી. 20 જૂન બાદ વિધિવત શરૂ થાય તેવા અણસાર દેખાઇ રહ્યાં હતાં. જોકે તે બાદ પણ સામાન્ય વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે. વરસાદનું આગમન થતાં જગતનો તાત વાવણી કાર્યમાં જોતરાઇ ગયો હતો.

ચોમાસાની ઋતુમાં વરસાદે વિલંબ લેતાં તેની અસર વિવિધ પાકોના વાવેતર પર વર્તાઇ છે. વરસાદ હજી પાછળ ખેંચાય તો વાવેતર કરનારા ખેડૂતોને પહેલાં પાકમાં જ નુકશાની વેઠવી પડે તેવી ભિતી સેવાઇ રહી છે. જોકે શનિવારે મોડી સાંજે તેમજ રવિવારે મોડી રાત્રિએ મેઘાએ પોતાનું ટ્રેલર બતાવ્યું હતું. સામાન્યત: ખેડૂતો દ્વારા ખેતીમાં લાંબા અને ટૂંકા તેમજ મઘ્યમ ગાળાના પાકો તૈયાર કરતાં હોય છે. જોકે, છેલ્લાં ત્રણ-ચાર વર્ષોથી વરસાદની અનિયમિતતાથી ખેડૂતોની મુંજવણ વધી છે. કેટલાંક ખેડૂતો હવે મધ્યમ કે ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરવા તરફ વળી રહ્યાં છે.

આ વર્ષે પણ ચોમાસાની સિઝનના પ્રથમ તબક્કામાં વાવણી લાયક વરસાદ થયો ન હોઇ વાવેતર કરનારા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાઈ જવા પામ્યા છે. આમ, પાવીજેતપુર પંથકમાં ગત મોડીરાત્રે 14 મિમી જેટલો વરસાદ થયો હોય તેમજ આગળનો 141 એમ.એમ મળી કુલ 155 એમ.એમ. વરસાદ થવા પામ્યો છે. સમગ્ર જિલ્લામાં પાવીજેતપુર ખાતે સૌથી વધારે વરસાદ થવા પામ્યો છે.

કવાંટમાં મેઘરાજાની એન્ટ્રી : 1 કલાકમાં 27 મિમી વરસાદ થતાં ધરતીપુત્રોને રાહત
કવાંટ : ગત માસ જૂનમાં થયેલ વરસાદને લઈને તાલુકા પંથકના ખેડૂતોએ ખેતરોમાં બિયારણની વાવણી કરી દીધી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેલા મોંઘા બિયારણ વરસાદના અભાવે નિષ્ફળ જવાની ભીતિ સેવાતી હતી. તેવા સમયે છેલ્લા બે દિવસથી આકાશમાં છવાયેલ કાળા ડિબાંગ વાદળોને લઈને સોમવારે વહેલી સવારે 7 વાગે પંથકના લોકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. તે વીજળીના કડાકા ભડાકા અને પવનની સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. સતત એક કલાક વરસાદ વરસતા એક ઇંચથી 27 મિમી વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા કવાંટ પંથકના ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...