તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:છોટા ઉદેપુર જિલ્લા પંચાયતમાં પ્રમુખનો પેચ ફસાયો, સાત-સાત દાવેદારો મેદાનમાં

પાવી જેતપુર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ડાબેથી)  પ્રકાશસિંહ વાસદીયા, ઉમેશભાઈ રાઠવા, રમણભાઇ બારીઆ, મલકાબેન, પટેલ, કોમલ ડુંગરા ભીલ, ભાવનાબેન રાઠવા, રાધાબેન રાઠવા - Divya Bhaskar
(ડાબેથી) પ્રકાશસિંહ વાસદીયા, ઉમેશભાઈ રાઠવા, રમણભાઇ બારીઆ, મલકાબેન, પટેલ, કોમલ ડુંગરા ભીલ, ભાવનાબેન રાઠવા, રાધાબેન રાઠવા
  • હવે આવનાર સમય જ બતાવશે કે ભાજપ કોને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બેસાડશે
  • હાલ દાવેદારો પોતપોતાના ગોડફાધર પાસે આંટાફેરા કરી રહ્યા છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપ સત્તા મેળવવામાં સફળ થઈ ચુકી છે. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખપદનો પેચ બરાબર ફસાયો છે. સાત સાત ઉમેદવારો મેદાનમાં આવતા ભાજપના મોવડી મંડળ માટે માથાનો દુ:ખાવો સાબિત થાય તેવી શક્યતાઓ જોવા મળે છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને જોરદાર શિકસ્ત આપીને સત્તા છીનવી લીધી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે સામાન્ય બેઠક ફાળવવામાં આવી છે. સામાન્ય બેઠક માત્ર તાંદલજા હતી. જ્યા ભાજપના પ્રકાસસિંહ વાંસદીયા ચૂંટાયા છે. અને બીજી સામાન્ય મહિલાની બેઠક પરવટા છે.

જયાથી ભાજપ અને આર.એસ.એસ.ના પીઢ અને નરેન્દ્ર મોદીની સાથે કામ કરી ચુકેલા મંગુભાઇ પટેલના પુત્રવધુ, પીટીસી અને એમ.એ. સુધી અભ્યાસ કરેલા મલકાબેન પટેલ ચૂંટાયા છે. આ બન્નેજણ ગેજેટ પ્રમાણે દાવેદાર થાય છે. પરંતુ અનામત પ્રથાના નિયમ પ્રમાણે સામાન્ય બેઠક પર કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર ઉમેદવારી કરી શકે છે તે મુજબ ભાજપના 28 ઉમેદવારો દાવેદાર બની શકે. પરંતુ આ બધામાં તાંદલજા અને પરવટા સિવાયની મહત્વની બેઠકોમાં કદવાલ જિલ્લા પંચાયત બેઠકના હાલમાં ચૂટાયેલા રમણભાઈ બારિયા કે જેઓ 2010માં પાવી જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે.

તેઓ પણ પોતાની દાવેદારી કરી શકે છે. અન્ય બેઠકોમાં નસવાડીની નવગામ બેઠકના હાલમાં જિલ્લા પંચાયતમાં ચૂટાયેલા કોમલબેન અરવિંદભાઈ ડુંગરભીલ કે જેઓ 2015માં બગલીયા બેઠક પર કોંગ્રેસના વાવાઝોડામાં પણ ભાજપનું કમળ ખીલાવવામાં સફળ રહ્યા હતા. તેઓ પણ દાવેદારી કરી શકે છે. આ સિવાય જેતપુર બેઠકના ઉમેશ રાઠવા કે જેઓ 2005થી 2011 સુધી ઘૂટનવડ ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે અને એમ.એસ.ડબલ્યુ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ પણ દાવેદારી કરી શકે છે. આ સિવાય સજવા બેઠક પરથી પાવી જેતપુરના પૂર્વ ધારાસભ્ય જયંતિ રાઠવાન પત્ની રાધાબેન કે જેઓ 2010થી જિલ્લા પંચાયતના સભ્ય પદે બિરાજમાન છે.

તેઓ પણ મુખ્ય દાવેદાર બની શકે છે. આ ઉપરાંત કવાંટ તાલુકાનાં આથા ડુંગરી જિલ્લા પંચાયત બેઠકના વિજેતા ઉમેદવાર ભાવનાબેન રાઠવા કે જેઓ એમ.એ.બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે. અને 2010થી 2015 સુધી જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. અને સીંચાઈ સમિતિ પણ સંભાળી ચૂક્યા છે. ત્યારે આટલા સક્ષમ ઉમેદવારો મેદાનમાં હોવાને કારણે જિલ્લા પંચાયતના પ્રમુખપદનો પેચ બરાબરનો ફસાઈ ગયો છે.

હાલ તો બધા દાવેદારો પોતપોતાના ગોડફાધર પાસે આંટાફેરા કરી રહ્યા છે. અને લાગવગ પણ લગાવી રહ્યા છે. આમ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના વહીવટ માટે પ્રમુખપદ મેળવવા સાત સાત ઉમેદવારોએ લાઈન લગાવતા ભાજપના મોવડીમંડળને ધોળે દિવસે તારા દેખાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે હવે ભાજપ કોને જિલ્લા પંચાયતના પ્રમુખપદે બેસાડે છે તે તો આવનાર સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...