ભયનું વાતાવરણ:મુવાડા ગામે ભરબપોરે દીપડાએ હુમલો કરતાં 5 વ્યક્તિઓ ઘાયલ

પાવી જેતપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
દીપડાએ ઘાયલ કરેલા તમામ ઈસમોને દવાખાનામાં સારવાર માટે લઇ જવાયા. - Divya Bhaskar
દીપડાએ ઘાયલ કરેલા તમામ ઈસમોને દવાખાનામાં સારવાર માટે લઇ જવાયા.
  • દીપડો ઘરમાં ઘૂસી જતાં નજીકના ગામડાઓમાં ભય
  • વન વિભાગ દ્વારા પાંજરુ મૂકી દીપડાને પકડવાના પ્રયાસો

પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામે બપોરના સમયે જંગલ વિસ્તારમાંથી દીપડો એકાએક રહેણાંક વિસ્તારમાં આવી જતા 5 વ્યક્તિઓને ઘાયલ કરી એક ઘરમાં ઘૂસી જતાં મુવાડામાં તેમજ આજુબાજુના ગામડાઓમાં ભયનું વાતાવરણ ફેલાઇ જવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામે કાસલ ફળિયામાં ડુંગર ઉપર આવેલ મકાનની બહાર રાઠવા ગીરીશભાઈ શંકરભાઇ (ઉં.વ. 40), રાઠવા રીમાભાઈ કાંતિભાઈ (ઉં. વ.45) ઊભા રહ્યા હતા.

બપોરના 12.10ના સમયે એકાએક જંગલી દીપડો જંગલ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારમાં આવી જતા આ ઊભેલા બંને રાઠવા ગીરીશભાઈ અને રાઠવા રીમાભાઈ ઉપર હુમલો કરી, પાડી દઈ ઘાયલ કરી દીધા હતા. બૂમાબૂમ થતાં દીપડો એક ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરમાં ઘૂસી જતાં ઘરના સદસ્યો ગભરાઇ ગયા હતા. એક બાજુ દીપડો અને બીજી બાજુ માણસો થઇ ગયા હતા.

ઘરના સદસ્યો ધીમે ધીમે એક એક કરી બહાર નીકળતા હતા તે દરમિયાન દીપડાએ હુમલો કરી નાયકા પ્રથમભાઈ બાબુભાઇ ( ઉં.વ.13), નાયકા ગણપતભાઈ દિવાળભાઈ (ઉં.વ. 26), નાયકા રૂમાલભાઈ અંદરભાઈ ( ઉં.વ. 44) ત્રણ ઈસમોને પણ ઘાયલ કર્યા હતા. મહામુસીબતે જીવ બચાવી ઘરના તમામ સભ્યો બહાર આવી ગયા હતા. જ્યારે દીપડો ઘરમાં ઘૂસી રહ્યો હતો. આ બનાવની જાણ વાયુવેગે આજુબાજુ થતા ઘરથી દૂર લોકટોળા ભેગા થયા હતા અને લોકોમાં ફફડાટ દેખાતો હતો.

આ ઘટનાની જાણ વનવિભાગના અધિકારીઓને થતાં તાલુકા-જિલ્લા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી પાંજરુ મુકી દીપડાને ઝબ્બે કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ પાંચેય વ્યક્તિઓને દીપડાના દાંત અને નખ વાગ્યા હોય જેઓને મુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી ડ્રેસિંગ કરી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. સદનસીબે કોઇ મોટી હોનારત થવા પામી ન હતી. દિવસનું અજવાળું હોવાના કારણે દીપડો ઘરમાંથી હજુ બહાર નીકળ્યો નથી. વનવિભાગના કર્મચારીઓ દીપડાને ઝબ્બે કરવા પ્રયત્નશીલ જણાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...