પૂર્વપટ્ટી વિસ્તારના કિસાનો છેલ્લા કેટલાય સમયથી ભૂંડોના ત્રાસથી ત્રાસી જઇ મકાઈની ખેતી છોડી ચણાની ખેતી તરફ વળ્યા છે.
શિયાળુ પાકમાં મકાઈનું બિયારણ, મોંઘી દવા અને ભૂંડોના ત્રાસથી કંટાળીને આખરે જગતનો તાત, ખેડૂત કઠોળ પાક એટલે કે ચણાના પાકની ખેતી તરફ વળી ગયો છે. આ વર્ષે મકાઈનો પાક એકંદરે સારો થયો છે. પરંતુ મકાઈની અંદર સ્ટાર્ચ આવતું હોવાના કારણે એની ગંધ ભૂંડને આવી જતા અંધારામાં પણ મકાઈના ખેતરને ઓળખી જાય છે અને મકાઈના ખેતરમાં પ્રવેશી મકાઈના ખેતરને તહેશ નહેશ કરી નાખે છે. જેના કારણે કિસાનો ત્રાહિમામ પોકારી, માથે હાથ દઇને રાતા પાણીએ રોવાનો વારો આવે છે.
ધરતીપુત્રો મકાઈનું ઓરણ કરી ખેતરની ચારે બાજુ તારની વાડ, સાડીની વાડ અને ઝાટકા મશીન ગોઠવવા છતાં એક મહિના સુધી ખેડૂતે રાત દિવસ સતત ઊંઘ ઉજાગરો વેઠી ખેતરમાં પડી રહેવું પડે છે. અને રાત્રે ડબ્બા ખખડાવવા છતાં ભૂંડો કિસાનોને ગાંઠતા નથી ખેતરોમાં ગમે તે રીતે પ્રવેશી જઇ ખેતરમાં ભેલાણ કરી નાખે છે. જ્યારે ખેતરમાં પાણી લીધું હોય ત્યારે તો ભૂંડોને જાણે ધરતી પર સ્વર્ગ મળ્યું હોય તેમ અંદર આળોટવા લાગે છે.
પૂર્વ પટ્ટી વિસ્તારમાં 90 ટકા ખેતી મકાઈની થતી હોય પરંતુ જંગલી ભૂંડનો ત્રાસ ખૂબ વધતા કિસાનો મકાઈની ખેતી છોડી ચણાની ખેતી તરફ વળ્યા છે. ચણાનું બિયારણ ઓરી દોઢ મહિનામાં એક જ વાર પાણી લેતા ચણાનો પાક 100 ટકા જેટલો થઇ જતો હોઇ અને ભૂંડોના ત્રાસથી સુરક્ષિત રહેતો હોય ચણાના પાક તરફ વળ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.