તપાસ:નરેગા કૌભાંડ મુદ્દે કલેકટરે પત્ર લખવા છતાં કાર્યવાહી ના થઈ

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતના અધિકારીઓને ક્લેકટરના પત્ર બાબતે કાંઈ ખબર જ નથી
  • કલેક્ટર કચેરીએ 29મી જુલાઈએ 5 દિવસમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું

બોડેલી તાલુકાના ચૂંધેલી ગ્રામ પંચાયતમાં નરેગા યોજનાના કામોમાં, શૌચાલયોમાં માલદાર લોકોના બોગસ જોબ કાર્ડ બનાવીને રૂપિયા ઉપાડી લઇને કૌભાંડ આચર્યું હોવાની અરજી થઇ હતી. આ મુદ્દે એક વર્ષનો સમય વીતી ગયો છે. જે મુદ્દે કલેકટર કચેરી દ્વારા જુલાઇ 2021માં તાલુકા વિકાસ અધીકારીને પાંચ દિવસમાં અહેવાલ મોકલવાનો પત્ર લખ્યો હતો. પરંતુ હજુ સુધી તાલુકા વિકાસ અધીકારી કે સર્કલ ઓફિસરને આ પત્ર વિષે કાઈ ખબર જ નથી.

બોડેલી તાલુકાના ચૂંધેલી ગામમાં નરેગા, શૌચાલયના કામોમાં બોગસ અને માલદાર લોકોના નામના જોબ કાર્ડ બનાવી જોબ કાર્ડ ધારકની જાણ બહાર જ બેન્ક ખાતા ખોલીને રૂપિયા ઉપાડી લેવાનું કૌભાંડ હોવાની લેખિત અરજી ગામના જ જાગૃત નાગરીક દ્વારા કરવામાં આવી હતી. જે મુદ્દે ગાંધીનગરથી એક વર્ષ પહેલાં તપાસ માટે ટીમ આવી હતી. ત્યારે કેટલાક ચૂંધેલીના લોકોએ તપાસ ટીમને હંગામો કરીને તપાસ કરવા દીધી ન હતી અને તપાસ અધૂરી રહી હતી.

આ મુદ્દે અરજદારે કલેક્ટર છોટાઉદેપુર અને ગ્રામ વિકાસ કમિશનર ગાંધીનગર ખાતે રજૂઆત કરતાં કલકેટર કચેરી દ્વારા આ અંગે બોડેલી તાલુકા પંચાત કચેરીને 29 જુલાઈ 2021ના રોજ પત્ર લખીને પાંચ દિવસમાં અહેવાલ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

પરંતુ બોડેલી તાલુકા પંચાયત કચેરીના ટીડીઓ ઉકારભાઈ ગોહિલને ટેલીફોન કરીને પૂછતા ગોટાળા વાળતા હોય તેમ પહેલા સીધા જ ‘અમે સર્કલને તપાસ માટે મોકલ્યા છે. તપાસ કરીને જવાબ આપીશું’ તેમ જણાવ્યુ હતું. અને ફરીથી કલેકટર કચેરીના પત્ર બાબતે જણાવીને પૂછતા એ બાબતે હું જોઈ લઉં છુ’ કહીને વીંટો વાળી દીધો હતો. જ્યારે તાલુકા પંચાયતના સર્કલ રાકેશ રાઠવાને ટેલીફોન દ્વારા પૂછતા તેઓ ‘મને ખ્યાલ નથી હું જોઈ લઉં પણ આ પત્ર બાબતે સોમવારે જણાવીશ’ કહીને વીંટો વાળી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...