રજૂઆત:પાવીજેતપુરમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ તેમજ વધતી મોંઘવારી અંગે કોંગ્રેસનું આવેદનપત્ર

પાવીજેતપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

વર્તમાન સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચતાં તેમજ મોંઘવારી ચરમસીમાએ પહોચી જતા પાવીજેતપુર તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને પાવીજેતપુર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વસવાટ કરતા મોટે ભાગે આકાશી ખેતી કરી જીવન નિર્વાહ કરતા ખેડૂતો, ખેત મજૂરો તથા આદિવાસીઓ અને કોંગ્રેસીઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલ અને તેની ગૌણ પેદાશોના ભાવો આસમાને પહોંચ્યા છે. આ રોજેરોજ થતો આ ભાવવધારો અસહ્ય છે. જેને કેન્દ્રની ભાજપ સરકાર લગામ મારી શકતી નથી.

વહીવટમાં નિષ્ફળ ગયેલી સરકાર કોઈ નક્કર પગલાં લેવાના બદલે આંતરરાષ્ટ્રીય બજારના ભાવના બહાના હેઠળ પેટ્રોલ-ડીઝલના ભાવને અંકુશમાં રાખતી નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર 100 ટકા જેટલો ટેક્ષ લઈને પ્રજા પાસે પૈસા ખંખેરવાનું કામ કરે છે. જીવન જરૂરિયાતની વસ્તુ સીંગતેલ અનાજના ભાવ આસમાને છે. ત્યારે ખેડૂતોને કાચા માલના પોષણક્ષમ ભાવ મળતા નથી. આ સરકારના ભાવ વધારવા અંગેનું ગણિત સમજાતું નથી. ખેડૂતોને ખેત વપરાશ માટે ડીઝલથી ચાલતા વાહનો ટ્રેક્ટર, ઓઇલ એન્જિન, પંપ સેટ, થ્રેસર વગેરેમાં રોજ-બરોજ ડીઝલની જરૂર પડે છે.

નાનામાં નાનો ખેડૂત અને મધ્યમ વર્ગ તથા ગરીબો, યુવાનો, ખેત મજૂરો અને બેરોજગારને પેટ્રોલ-ડીઝલના ભાવ ખૂબ જ આર્થિક રીતે નડે છે. આમ, પાવીજેતપુર તાલુકાના આદિવાસી તથા કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે રાષ્ટ્રપતિને હસ્તક્ષેપ કરવા વિનંતી સાથે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમયે છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા તેમજ કોંગ્રેસી અગ્રણીઓ એવા જગાભાઈ રાઠવા, રણજીતસિંહ રાઠવા, કાજલ રાઠવા, લલીતભાઈ રોહિત વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...