છોટા ઉદેપુર જીલ્લાના નસવાડીના હરીપુરા વદેસિયા ખાતે રહેતા વિઠ્ઠલ રાઠવાને ગામના જ વિનોદ નાયકાએ દારૂ પીવાના પૈસા આપવા મુદ્દે બોલાચાલી થતા ખાટલાની ઇસના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે વિઠ્ઠલની સાથે રહેલા ભાણા મહેશ રાઠવા તેમજ તેમના મિત્ર યુવરાજ રાઠવા બચાવવા પડ્યા હતા. પરંતુ વિનોદ તેમને પણ મારશે તેવી બીકે બંને જણા ખેતરમાં ભાગી ગયા હતા. મહેશ રાઠવાએ ગામના આગેવાનને ફોન કરીને હકીકત જણાવતા નસવાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી વિનોદ નાયકા સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિઠ્ઠલ જેન્તી રાઠવા બાઈક ઉપર જઈ રહ્યો હતો ત્યારે...
મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જીલ્લાના આદિવાસી વિસ્તારમાં નજીવી બાબતે હત્યા કરવાના બનાવો અવારનવાર બને છે. ત્યારે નસવાડીના હરીપુરા વદેસિયા ખાતે રહેતા વિઠ્ઠલ જેન્તી રાઠવા પોતાના ભાણેજ અને તેના મિત્ર સાથે બાઈક ઉપર સવાર થઈ ગામમાં જતાં હતા. ત્યારે રસ્તામાં ગામનો જ વિનોદ કાંતિ નાયકાએ બૂમ પાડીને ઊભા રાખી વિઠ્ઠલ રાઠવા પાસે દારૂ પીવા માટે પૈસા માંગતા વિઠ્ઠલ રાઠવાએ દારૂ પીવા પૈસા આપવાની ના પાડી હતી.
ભાણેજ અને મિત્ર મારવાની બીકે ખેતરમાં ભાગી ગયા
જેને લઇને વિનોદ અને વિઠ્ઠલ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીમાં વિનોદ નાયકા ગુસ્સામાં આવી જઈ ઘરમાં જઈને ખાટલાની ઇસ લઈ આવી વિઠ્ઠલ રાઠવાને મોઢા તેમજ માથાના ભાગે ઉપરાછાપરી ઇસના ફટકા મારી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. ત્યારે વિઠ્ઠલની સાથે રહેલા ભાણા મહેશ રાઠવા તેમજ તેમના મિત્ર યુવરાજ રાઠવા બચાવવા પડ્યા હતા. પરંતુ વિનોદ તેમને પણ મારશે તેવી બીકે બંને જણા ખેતરમાં ભાગી ગયા હતા.
ગામના આગેવાને નસવાડી પોલીસને જાણ કરી
ભાગી ગયેલા ભાણા મહેશ રાઠવાએ ગામના આગેવાનને ફોન કરીને હકીકત જણાવતા નસવાડી પોલીસને જાણ કરી હતી. નસવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જોતા વિઠ્ઠલ રાઠવા લોહીના ખાબોચિયામાં મૃત અવસ્થામાં પડેલો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી વિનોદ નાયકા સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.