તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:આદિવાસીઓ દ્વારા દેવસ્થાનો પર ખુંટી કાઢી આસ્થાભેર પૂજન કરાયું

છોટાઉદેપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આદિવાસીઓ દ્વારા  દેવસ્થાનો પર ખુંટી કાઢી પૂજન કરાયું હતું. - Divya Bhaskar
આદિવાસીઓ દ્વારા  દેવસ્થાનો પર ખુંટી કાઢી પૂજન કરાયું હતું.
  • કોરોના મહામારી વચ્ચે ખુંટી ઠોકીને રાખવામાં આવેલ બાધા પૂરી થતા ખુંટા કાઢી નિયમોમાંથી છૂટ અપાઈ

હાલમાં કોરોના વાયરસે દેશ દુનિયાને હચમચાવી નાખી છે. અને હાહાકાર મચાવ્યો છે. તેવા સમયે ખાસ કરીને એપ્રિલ, મે મહિનામાં સ્થિતિ વધુ વકરતા છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં આદિવાસીઓ દ્વારા ગામે ગામ પોતાના ગામદેવો પર શ્રદ્ધા સાથે માનતાઓ રખાઇ હતી. અને હાલ સ્થિતિમાં સુધારો જણાતાં ગામ દેવોના સ્થાનકો પર ભારે આસ્થાભેર જરૂરી પૂજન વિધિ કરીને બાધા છૂટવાની વિધિઓ ભારે આસ્થાભેર કરવામાં આવી રહી છે.આદિવાસી પ્રક્રુતિ પૂજક સમાજ છે, તે હંમેશા પ્રક્રુતિના પાંચ તત્વો ધરતી, આકાશ, પવન ,અગ્નિ, પાણી , અનાજ -ધાન્ય, સહિત ડુંગરો -પહાડો, વ્રુક્ષો, વાવ, નદી -નાળાઓને દેવ માનીને પૂજવામાં માને છે.

આદિવાસી સમાજ ના અગ્રણી વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે આમ તો વર્ષ દરમ્યાન ઋતુચક્ર પ્રમાણે સમયાંતરે પ્રકૃતિ પૂજન કરતા જ રહે છે. પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે ગામડાઓમા વિશેષ રીતે માનતાઓ રાખી ગામમાં ઢોર ઢાખર સહિત સૌ સાજા માજા રહે તેવા હેતુથી ગામના આદિવાસીઓ દ્વારા દેવસ્થાનો પર ખુંટી ઠોકીને બાધા રાખવામાં આવી હતી. બાધા રાખવામાં આવેલ સમય દરમ્યાન ગામના બડવા અને ગામ પૂજારા દ્વારા આખા ગામના દેવસ્થાનો પર દાણા મૂકવામાં આવે છે. તેમજ દરેક ઘરોના ઝાંપે પણ દાણા મુકીને ગામના દરેક ઘરો સહિત સમગ્ર ગામ પર બંદોબસ્ત લગાવવામાં આવે છે.

બાધાના સમયમાં કોઈ પણ ચૂલ્લે વાનગીઓ બનાવતી વખતે તળવા પર રોક લગાવી દેવામાં આવે છે. તળેલી વસ્તુઓ બનાવી શકાતી નથી. તેલનો વઘાર બંધ કરી દેવામાં આવે છે. ઘરમાં લીંપણ વગેરે કરી શકાય નહીં તથા ગામમાં કોઈ પ્રકારના વિધિ વિધાનના કાર્યક્રમો રાખવામાં આવતા નથી.આદિવાસી સમાજના અગ્રણી વધુમાં જણાવે છે કે છે કે અમારા ગામ પાણીબારમાં એપ્રિલ -મે મહિનામાં સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. મે મહિનાની 11 તારીખે ગામ પટેલ અને ગામ પૂજારા તથા ગામના ડાહ્યા દ્વારા ગામના દેવસ્થાનો પર દાણા મુકી ખુંટી ઠોકીને બાધા રાખવામાં આવી હતી. બાધા રાખવામાં આવ્યા બાદ સ્થિતિમાં ખુબ જ સુધારો જોવા મળ્યો છે.

અને આજે અમારા ગામ દેવો અને મા પ્રકૃતિની ક્રુપાથી પાણીબાર ગામમાં સૌ સાજા માજા થયા છે. જેથી ગામ પટેલ અને ગામ પૂજારા તથા ગામ લોકોએ આજે અમારા ગામમાં આવેલા દેવસ્થાનો પર જરૂરી પૂજન વિધિ કરી રાખવામાં આવેલ બાધા -માનતાઓના નિયમોની છૂટી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...