છોટાઉદેપુર નગરમાં છેલ્લા એક મહિનાથી પાણીનો પ્રશ્ન પ્રજાને સતાવી રહ્યો છે. ઓરસંગનદી આધારિત નગરપાલિકા વોટરવવર્કસના બે કુવા આવેલા છે. જેમાં છેલ્લા પાણીના સ્તર ઊંડા ઉતરી જવાથી પાણીનો સંગ્રહ કરી પછી પાણી આપવામાં આવશે તેવી જાહેરાત મંગળવાર તા 17ના છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ગાડી ફેરવી નગરના દરેક વોર્ડમાં કરવામાં આવી હતી. અને હવે જ્યારે સ્તર ઊંડા ઉતરી જતા પાણીનો બગાડ કરવો નહીં તેવા સૂચનો કરવામાં આવ્યા હતા.
હવે નગરની અંદાજિત 35 હજાર જેટલી વસ્તીને પાણીના કારણે ટળવળવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી દર ઉનાળામાં છોટાઉદેપુર નગરમાં પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. રેતી માફિયાઓના દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરી નદીમાં રેતી ન હોવાને કારણે પાણીના સ્તર ઊંડા ઉતરી જાય છે. અને રેતી માફિયાઓના પાપે ઓરસંગ નદીને થયેલું નુકસાનનો ભોગ પાણી ન મળતા પ્રજાએ બનવું પડશે. હાલમાં છોટાઉદેપુર નગરની પ્રજા અર્થે હાફેશ્વર યોજનાનુ પાણી 4 પૈસા પર લીટર તંત્ર દ્વારા મંગાવવામાં આવે છે.
રોજનું અંદાજિત 40 લાખ લીટર પાણી વેચાતું મંગાવવું પડે છે. જે ઓરસંગ નદીમાં આવેલ વોટરવવર્કસમાં ઠલવાય છે. પરંતુ મંગળવાર તા 17ના હાફેશ્વરનું પાણી પણ છોટાઉદેપુરની પ્રજાને મળ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર હાફેશ્વર ખાતે કામકરતા કર્મચારીઓ પગાર વધારાના મુદ્દે કામગીરીથી અલિપ્ત રહ્યા હોઈ જેથી મંગળવારે વહેલી સવારથી હાફેશ્વર યોજનાનું પાણી છોટાઉદેપુર પોહચ્યું નથી. જેથી પ્રજાને પૂરતું પાણી ન મળતા હવે હાલત કફોડી બની છે.
હવે હાફેશ્વરનું પાણી ન આવતા તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી કે સ્તર ઊંડા ઉતરી જવાને કારણે જાહેરાત થઈ એ પ્રશ્ન નગરની પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. દિવસે ને દિવસે ધોમ ધખતા કપરા ઉનાળામાં પ્રજાને પાણીની સમસ્યા સતાવી રહી છે. આ પ્રશ્ન દર વર્ષે નગરને માટે જળ સંકટ સમાન બન્યો છે.
તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે. જેથી પાણીનો સંગ્રહ કર્યા પછી પાણી આપવામાં આવશે. ત્યારે નગરના જે વોર્ડમાં પ્રજાને પાણીની તાતી જરૂર હોય ત્યાં પાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા ટેન્કર મારફતે સહાય આપવામાં આવે તેવી પ્રજા માગ કરી રહી છે.
લોકોને પૂરતું પાણી મળી રહે તે માટે અમારા પ્રયત્નો ચાલુ છે
હાલમાં નગરની જનતા માટે હાફેશ્વરથી પાણી મંગાવું પડી રહ્યું છે. ઓરસંગ નદીમાં પાણીના સ્તર ઊંડા ઉતરતાં પાણીનો પૂરતા પ્રમાણમાં સંગ્રહ થઈ શકતો નથી. મંગળવારે હાફેશ્વરમાં કર્મચારીઓની હડતાળને કારણે પાણી આવી શક્યું નથી. જેથી પાણી મળ્યું નહિ એ દુઃખની વાત છે. પ્રજાને પૂરતું પાણી મળી રહે તે અર્થે અમારા પ્રયત્નો ચાલુ છે. આવનાર દિવસોમાં પ્રજાને પૂરતું પાણી મળી રહે તે અર્થે પૂરતા પ્રયત્નો કરાશે. - સંગ્રામસિંહ રાઠવા, પ્રમુખ, નગરપાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.