• Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • Villagers Of Sadli, Risking Their Lives For Education life Necessity, In Condition Of Broken Drain For Years; If 108 Is Not Found, The Pregnant Woman Has To Be Delivered On The River Bank

સાઢલી ગામની કરુણતા:જીવ જોખમમાં મૂકતાં સાઢલીના ગ્રામજનો, વર્ષોથી નાળું તૂટેલું; 108 ન મળતાં સગર્ભાની કરાવાય છે નદી કિનારે ડિલિવરી

છોટા ઉદેપુર11 દિવસ પહેલા
  • દર્દીને કોતરના પાણીમાંથી ખાટલામાં ઊંચકીને સામે છેડે લઈ જવા પડે છે
  • ગામ લોકોએ આગામી દિવસોમાં સત્યાગ્રહ કરવાની તૈયારી બતાવી

છોટા ઉદેપુર જીલ્લાના સાઢલી ખાતે ગમાન ફળીયાને જોડતું નાળુ વર્ષોથી તૂટેલી હાલતમા હોવાને કારણે ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ગ્રામજનો સહિત શાળાએ જતાં બાળકોને જીવના જોખમે કોતરના પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.

કોતર ઉપરનો કોજવે બે-ત્રણ વર્ષમાં જ તૂટી ગયો
પાવી જેતપુર તાલુકાનાં સાઢલી ગામમાં લગભગ 2500 જેટલી વસ્તી આવેલી છે. ગામની વચ્ચેથી કોતર પસાર થતું હોવાથી ગામ બે ભાગમાં વહેચાયેલું છે. આ કોતર ગામના લોકો માટે આશીર્વાદના બદલે અભિશાપરૂપ સાબીત થઈ રહ્યું છે. વર્ષો પહેલા આ કોતર ઉપરનો કોજવે બનાવવામાં આવ્યો હતો જે ગ્રામજનોના જણાવ્યા અનુસાર બનાવ્યાના લગભગ બે ત્રણ વર્ષમાં જ તૂટી ગયો હતો. ત્યારથી જ સાઢલી ગામના ગમાણ ફળીયાના લોકોની મુશ્કેલીની શરૂઆત થઈ છે, જેને આખી એક પેઢી વીતી ગયા બાદ પણ ભોગવી રહ્યા છે.

લોકોને મીઠું લેવા માટે પણ કોતરના પાણીમાં ઉતરીને જવું પડે છે
આ કોજવે તૂટી જતાં ગ્રામજનો શિયાળા ઉનાળામાં માટીનું પુરાણ કરીને કોતર ઉપર રસ્તો બનાવી દેતા તકલીફ ઓછી પડે છે. પરંતુ ચોમાસામાં કોતરના ધસમસતા પાણીમાં માટીનું ધોવાણ થઈ જતાં રસ્તો સદંતર બંધ થઈ જાય છે અને ગમાણ ફળીયાના લોકો ગામ અને દુનીયાથી વિખૂટા પડી જાય છે. હાલમાં ચોમાસામાં પડેલા વરસાદમાં માટીનું પુરાણ ધોવાણ થઈ જતાં આ વિસ્તારનાં લોકો ભારે મુશ્કેલીનો
સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોને મીઠું લેવા માટે પણ કોતરના પાણીમાં ઉતરીને જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકો મજબૂરીએ કોતરના પાણીમાં ઉતરીને સામે પાર જઈને પોતાની જરૂરીયાતનો સામાન લાવી રહ્યા છે.

બાળકો શિક્ષણ માટે જીવ જોખમમાં મૂકવા મજબૂર બન્યા
ગામના કેટલાક વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે પણ સભાન છે,એટલે શાળાએ જતાં બાળકોને પણ મજબૂરીએ કોતરના પાણીમાંથી દીવસમાં બે વખત પસાર કરાવી રહ્યા છે. અને બાળકો મનમાં ડર રાખીને કોતરમાંથી શિક્ષણ મેળવવા માટે જીવ જોખમમાં મૂકીને પાણીમાંથી પસાર થવા મજબૂર બની ગયા છે.

દર્દીને કોતરના પાણીમાંથી ખાટલામા ઊચકીને સામે છેડે લઈ જવા પડે છે
ગમાણ ફળિયું દેશ દુનિયાથી વિખૂટું પડી જતાં જાણે આભ તૂટી પડ્યું હોય તેટલી મુસીબતો માથે આવી પડે છે. કેટલીકવાર કોઈ બીમાર પડે અથવા બહેન દીકરીને પ્રસૂતીની પીડા ઉપડે ત્યારે ઈમરજન્સીમાં કોઈને હોસ્પીટલ લઈ જવા હોય ત્યારે 108 પણ આવી શકતી નથી. જેથી દર્દીને કોતરના પાણીમાંથી ખાટલામા ઊચકીને સામે છેડે લઈ જવા પડે છે, ત્યારે 108નો લાભ મળે છે. કેટલીકવાર બીમારને અથવા પ્રસૂતાને સારવાર મળે તે પહેલા જ અઘટિત ઘટના પણ બની જતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

આગામી દીવસોમાં સત્યાગ્રહ કરવાની તૈયારી બતાવી
વધુમાં ગ્રામજનોએ આ કોતરાનો પુલ વહેલી તકે બને તેવી તંત્ર પાસે માંગણી કરી હતી. અને જો તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી નહિં જાગે તો આગામી દીવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...