રાજકીય માહોલ ગરમાયો:છોટા ઉદેપુરના પીઢ કોંગ્રેસી નેતાએ નિવૃત્તિ જાહેર કરી; પોતાના દીકરાને વિધાનસભાની ટિકિટ આપવાની માંગ કરી

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

છોટા ઉદેપુરના પીઢ કોંગ્રેસી નેતા નારણ રાઠવાએ આજે નિવૃત્તિ જાહેર કરી છે અને આગામી લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. સાથે સાથે પોતાના દીકરા સંગ્રામસિંહ રાઠવાને છોટા ઉદેપુર વિધાનસભાની ટિકિટ આપવાની પણ માંગ કરતા મામલો ગરમાયો છે.

રાજ્યસભાના સાંસદ અને છોટા ઉદેપુરના પીઢ કોંગ્રેસી નેતાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે. યુવાઓને તક મળે તે માટે પોતાના દીકરા સંગ્રામસિંહ રાઠવાને છોટા ઉદેપુર વિધાનસભાની ટિકિટ મળે તેવી માંગણી કરી છે. બે દિવસ અગાઉ છોટા ઉદેપુર વિધાનસભામાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પોતાના દીકરા રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ મળે તેવી માંગણી કરી ચૂક્યા છે.​​​​​​​

નારણ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અગાઉ બે ટર્મથી મોહનસિંહ રાઠવા છોટા ઉદેપુર વિધાનસભાની એક વખત ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરતા સંગ્રામસિંહ રાઠવાને મળેલ મેંડેટ છોડીને તેઓને ચૂંટણી લડાવી હતી અને જીતાડ્યા હતા. પરંતુ હવે તેઓએ નિવૃત્તિ જાહેર કર્યા બાદ તેઓ પોતાના દીકરા રાજેન્દ્રસિંહ રાઠવાને વિધાનસભાને ટિકિટ મળે તેવી માંગણી કરી છે. જેને લઇને કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે પુત્રમોહને લઇને ગજગ્રાહ ઊભો થયો છે. આગામી દિવસોમાં છોટા ઉદેપુર વિધાનસભાના સમીકરણો કેવા રહે છે તે સમય બતાવશે.​​​​​​​

નારણ રાઠવાએ વધુમાં જણાવ્યું કે, છોટા ઉદેપુર વિધાનસભા ઉપર સંગ્રામસિંહ રાઠવા લડે, જેતપુર પાવી વિધાનસભા ઉપર રાજેન્દ્રસિંહ રાઠવાને લડાવે અને સુખરામ રાઠવા આવનાર લોકસભાની ચૂંટણી લડવાની પણ માંગ કરી છે. આમ છોટા ઉદેપુર જીલ્લાની રાઠવા ત્રિપુટીને પુત્ર મોહમાં ભંગાણ થયું હોવાનું ચોક્કસ જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...