સંકલન સમિતિની બેઠક:દર અઠવાડિયે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ડેટા અપડેટ કરવા તાકીદ કરાઇ

છોટાઉદેપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લા વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ભાગ-1ની બેઠક દરમિયાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પરત્વે ચર્ચા કરતા જિલ્લા કલેકટરે સંબંધિત વિભાગોને ધારાસભ્યએ ઉપસ્થિત કરેલા મુદ્દાઓ અંગે જરૂરી માહિતી આપવા માટે જણાવ્યું હતું.

ભાગ-2ની બેઠકમાં વિવિધ સરકારી કચેરીઓમાં આવેલી લોકોની અરજીઓ અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, કોઇ પણ ઓફિસમાં લોકો તરફથી કરવામાં આવેલી અરજીઓનો સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ મુદ્દતમાં નિકાલ થાય એ સુનિશ્ચિત કરવાનું રહેશે. એમ તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે બાકી પેન્શન કેસોની સમીક્ષા કરતા નિવૃત થયેલા કે અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસો બાકી હોય તો અગ્રતાના ધોરણે કેસોનો નિકાલ કરવા જણાવી સરકારી લેણાની વસુલાત બાબતે ચર્ચા કરતા જે વિભાગના સરકારી લેણાઓ બાકી હોય એ વિભાગે ઝડપથી લેણાની વસુલાત કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત બેઠક દરમિયાન તાબાની કચેરીઓનું નિરીક્ષણ અને ખાતાકીય તપાસના કેસો અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, ખાતાકીય તપાસના બાકી કેસો અંગે ત્રિમાસિક વિજિલન્સની બેઠકમાં ચર્ચા કરવામાં આવતી હોય જે ઓફિસના ખાતાકીય કેસો પેન્ડીંગ હોય તેમણે નિયત સમયમર્યાદામાં વિગતો કલેકટર કચેરીને મોકલી આપવા જણાવ્યું હતું.

વધુમાં ડિઝીટલ ગુજરાત પોર્ટલ પર જુદા જુદા વિભાગો દ્વારા કરાયેલી કામગીરીની ડેટા એન્ટ્રી કરાતી ન હોઇ તમામ વિભાગે દર અઠવાડિયે કરેલી કામગીરીની ડિઝીટલ ગુજરાત પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવા માટે પણ તાકીદ કરી હતી. બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆએ કર્યું હતું. બેઠકમાં પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ટી.કે.ડામોર, નાયબ કલેકટર અંકિતાબેન પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...