બ્રિજના પાયા ઉપર મોટી તિરાડો:છોટાઉદેપુર નગરને જોડતા બે બ્રિજ જર્જરિત બન્યા

છોટાઉદેપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારદારી વાહન પસાર થતાં કંપન થતું હોવાની બૂમ ઉઠી
  • રેતીખનનના કારણે બ્રિજના પાયા પાસે હવે ફાઉન્ડેશન 20 ફૂટ સુધી દેખાવા લાગ્યા

છોટાઉદેપુર નગરને જોડતા બે બ્રિજ એક અલીરાજપુર અને બીજો બ્રિજ કવાંટ તરફ જતા ઓરસંગનદી ઉપર બનાવવામાં આવેલા છે. જે ઘણા વર્ષો જુના છે. જેના ઉપરથી રોજ અસંખ્ય વાહનો પસાર થાય છે. પરંતુ મોટા વાહનો પસાર થતા નીચે પાયાના ભાગે કંપન થતું હોય તેવી પ્રજાની ફરિયાદો ઉઠી છે. નગરને જોડતા બંને બ્રિજ હાલ જર્જરિત જોવા મળી રહ્યા છે.

બ્રિજના પાયા ઉપર મોટી તિરાડો જોવા મળી રહી છે. જ્યારે સળિયા પણ બહાર આવી ગયા છે. આવનારા સમયમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. સદીઓ વીતી ગઈ છતાં બ્રિજ અડીખમ હતા. પરંતુ રેતી માફિયાઓના પ્રતાપે બ્રિજના પાયા પાસેની બધી રેતી ખાલી થઈ જતા હવે ફાઉન્ડેશન 20 ફૂટ સુધી દેખાવા લાગ્યા છે. અને સળિયા પણ બહાર આવી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરને જોડતા બંને બ્રિજની વચ્ચે ઓરસંગ નદીમાં રેતીનું ભારે ખોદકામ થઈ રહ્યું છે. જ્યાં લિઝો ફાળવેલ નથી ત્યાં પણ રાત્રી દરમ્યાન ખોદકામ થાય છે. જેના કારણે બ્રિજના પાયા છેક તળિયા સુધી દેખાઈ રહ્યા છે. અને પાયાના સળિયા દેખાવા લાગ્યા છે. જ્યારે કવાંટ બ્રિજના 7 તથા 8 નંબરનો પાયો ત્રાસો જોવા મળી રહ્યો છે.

બ્રિજના પાયા ફરતે રેતી ઉલેચાઈ જતા હવે આવનારા દિવસોમાં કોઈ મોટી હોનારાત થવાની સંભાવનાઓ રહેલી છે. રેતીનું થતું ગેરકાયદેસર ખોદકામ બ્રિજને નુકસાન પહોંચાડી શકે તેમ છે. પરંતુ આ રસ્તેથી વારંવાર અધિકારીઓની ગાડીઓ પસાર થાય છે. પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સબ સલામતની વાતો થતી રહે છે. નગરની સીમાએ જ્યાં કવાંટ બ્રિજ આવેલો છે. તેને અડીને જિલ્લા પંચાયત કચેરી આવેલી છે. જ્યાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ બિરાજે છે. પરંતુ દિવા તળે અંધારું કોઈની નજરમાં આવતું નથી તેમ હાલની પરિસ્થિતિને જોતા જણાઈ રહ્યું છે.

વધુ પડતું ખનન થઈ જતાં હવે પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા
છોટાઉદેપુર ની ઓરસંગ નદીને જોતા હવે નદીમાં રેતીની જગ્યાએ માત્ર કાંકરા અને પથ્થર જોવા મળી રહ્યાં છે. પહેલાના સમયમાં રેતી હતી ત્યારે પાણીના સ્તર જળવાઈ રહેતા હતા. પરંતુ વધુપડતું ખનન થઈ જતા હવે પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે. અને આવનારા દિવસોમાં ઉનાળો આવશે ફરી નદી કાંઠાના વિસ્તારોમાં પાણીના સ્તર ઊંડા ઉતરશે જે ના કારણે કુવા, હેન્ડપંપ માં પાણી આવશે નહિ. અને ફરી પ્રજાજનોને વલખા મારવાના આવશે.જે સમસ્યા ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓનો આભારી છે.

છોટાઉદેપુર વિસ્તારમાં વધુ પડતું રેતી ખનનનદી કિનારે આવેલી મિલકતોને પણ નુકસાન પહોંચાડી શકે તેમ છે.જાગનાથ મન્દિર પાસે આવેલી સૌરાક્ષણ દીવાલ, તથા નગરના કિનારે આવેલી દીવાલોન પણ પાયા દેખાઈ રહ્યા છે.તો આવનારા સમયમાં જો કોઈ નુકશાન થશે તો કોણ જવાબદારી લેશે એ વિચારવા જેવી વાત છે.

બ્રિજનું સમારકામ કરાય તેવી પ્રજાની પ્રબળ માંગ ઉઠી
હાલ નગરને અડીને આવેલા બ્રિજ જર્જરિત જોવા મળી રહ્યા છે.કવાંટ તરફ જતા આવેલો બ્રિજઉપરની સ્લેબના પોપડા ખરતા હોય એ જોવાઇ રહ્યા છે. ત્યારે પાયાના પણ સળિયા બહાર જોવા મળી રહ્યા છે. ભારે વાહન પસાર થતા થતું કંપન થતા ભય ફેલાવે છે.નગરનો આધાર ગણાતા બંને બ્રિજની સલામતી અર્થે પ્રજામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે. સુ તંત્ર આ અંગે સમારકામ કરાવશે કે બ્રિજની આસપાસ થતા રેતીના ખોદકામને અટકાવશે એ જોવાનું રહ્યું. બ્રિજના સમારકામ કરવામાં આવે તેવી પ્રજાની પ્રબળ માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...