મુશ્કેલી:ડોલોમાઈટ ઇન્ડસ્ટ્રિઝ બંધ થતાં ટ્રાન્સપોર્ટ સંચાલકોની હાલત કફોડી

છોટા ઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મિનરલ મર્ચન્ટ એસો. દ્વારા કારખાના બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો
  • ફેક્ટરીઓમાંથી માલ છોટાઉદેપુરના ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં સપ્લાય થાય છે

છોટાઉદેપુર તાલુકાના આસપાસના વિસ્તારમાં ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની 100 જેટલી ફેકટરીઓ આવેલ છે. જેમાં પથ્થરની ખાણમાંથી પથ્થર લાવીને તેને પીસીને પાઉડર બનાવવામાં આવે છે અને ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોના જૂદા જૂદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે. પરંતુ તા 24ના રોજ અચાનક અધિકારીઓ દ્વારા આ પાઉડર બનાવવાની ફેકટરીઓ ઉપર દરોડો પાડી હિસાબ માંગતા અને પડેલ સ્ટોકમાંથી માલ નહીં ઉઠાવવો કે નહીં ખરીદ કરવો જેવા આદેશ આપતા વહેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને મિનરલ મર્ચન્ટ એસોસીએશનની મિટિંગ મળી તેમાં કારખાના બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને ફેકટરીઓ બંધ કરી દીધી છે. આ ફેકટરીઓમાંથી જે માલ સપ્લાય થાય છે તે છોટાઉદેપુર શહેરમાં ચાલતા ટ્રાન્સપોર્ટની ગાડીઓ દ્વારા ગુજરાત રાજ્ય થતા પર રાજ્યમાં સપ્લાય થાય છે. પરંતુ છેલ્લા 4 દિવસથી ડોલોમાઈટ ફેકટરીઓ બંધ રહેતા ટ્રાન્સપોર્ટના ધંધા ઉપર માઠી અસર પડી છે.

છોટાઉદેપુરમાં બીજો કોઈ મોટો ઉદ્યોગ ન હોય ટ્રાન્સપોર્ટ નો ધંધો ડોલોમાઈટ પાઉડરના આધારે ચાલતો હોય. પરંતુ એ બંધ થઈ જતા ટ્રાન્સપોર્ટ સંચાલકોની હાલત કફોડી બની છે. એક તરફ હમણાં હમણાં લોકડાઉન ગયું અને બીજી તરફ ડોલોમાઈટનો ધંધો બંધ રહેતા ગાડી માલિકો મૂંઝવણમાં મુકાયા છે. ટ્રાન્સપોર્ટ સંચાલકો જણાવે છે કે ભારે મંદીના માહોલમાં ધંધો ન ચાલતા ઘર ચલાવવું પણ ભારે પડી ગયું છે. ટ્રકોના પૈડાં થંભી જતા હાલ મંદીના કારણે ડ્રાઇવર કંડક્ટરોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગરીબીની રેખા નીચે જીવતા શ્રમજીવીઓની હાલત અત્યંત દયનીય છે. સરકાર આ અંગે યોગ્ય ઉકેલ લાવે તે જરૂરી છે. આ અંગે છોટાઉદેપુર ટ્રાન્સપોર્ટ સંચાલક કનુભાઈ ગઢવી જણાવે છે કે આ ડોલોમાઈટ પથ્થરનો ધંધો બંધ રહેતા અમારી ટ્રકો બંધ હાલતમાં પડી છે. 3 મહિના લોકડાઉન ગયું. હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અધૂરામાં પૂરું આ ડોલોમાઈટ ઉદ્યોગ બંધ રહેતા મહિને ગાડીઓના હપ્તા પણ ભરાતા નથી. પડતા ઉપર પાટુ જેવો ઘાટ છે.

અન્ય સમાચારો પણ છે...