છોટાઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાં બજારોમાં ભારે મંદી જોવા મળી રહી છે. આખો દિવસ લોકોની ચહલ પહલ રહેતી હોય તેવા રસ્તાઓ અને બજારો ભારે સુમસામ જોવા મળી રહ્યા છે. બજારમાં ઘરાકી ન નીકળતા વેપારીઓ પણ ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે.હાલના સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ એક્ટિવ નથી. તંત્ર દ્વારા સમગ્ર બજારો ખોલી દેવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં તહેવારો આવતા હોય વેપારીઓએ સ્ટોક ખરીદી લીધો છે.
પરંતુ છેલ્લા 10 દિવસથી બજારોમાં ઘરાકી જોવા ના મળતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ છોટાઉદેપુર નગરના બજારોમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.સમગ્ર દુનિયામાં કોરોના મહામારીની પહેલી અને બીજી લહેર સમાપ્ત થઈ છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે. પરંતુ વીતેલી બે લહેરના સમયમાં લોકડાઉન અને ભારે મોંઘવારી તથા મંદીના કારણે સામાન્ય માણસની આર્થિક સ્થિતિ બગાડી દીધી છે. જે પરિસ્થિતિ હજુ સુધી સુધરી નથી તેમ લાગી રહ્યું છે.
ભારે મંદી, બેરોજગારી તથા મોંઘવારીના કારણે માધ્યમ વર્ગ તથા ગરીબ આદિવાસી પ્રજાની ખરીદ શક્તિ ઓછી થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જે ભારે ચિંતા જનક બાબત છે. હાલના સમયમાં આદિવાસી વિસ્તારોમાં ગામડે ગામડે દિવાસાના પર્વ ઉજવાઈ રહ્યા છે. પરંતુ મોંઘવારીને કારણે એ પણ ઘણી જગ્યાએ સાદગીથી ઉજવાય છે તેમ જાણવા મળ્યું હતું.
બજારો સુમસામ હોવાને કારણે ભારે નુકસાન ગયું છે
ગામડામાં દિવાસાનો તહેવાર હોવા છતાં ઘણા દિવસોથી બજારમાં ઘરાકી જોવા મળતી નથી. ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી અર્થે આવતી પ્રજા આ વર્ષે નહિવત જોવા મળી છે. બજારોમાં ભારે મંદી હોઇ ઘરાકી ન હોય ધંધો કેમ કેમ કરવો એ પ્રશ્ન છે. બજારો સુમસામ હોવાને કારણે વેપારીઓ ભારે નુકસાન ગયું છે તેમ જણાવ્યું હતું. - આકાશ ઉદવાણી, વેપારી મંડળના પ્રમુખ, છોટાઉદેપુર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.