છોટા ઉદેપુરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો:નર્મદા નદીમાંથી લવાતો રૂ.3.2 લાખનો વિદેશી દારૂ સહીત કુલ રૂ.5,73,600નો મુદ્દામાલ ઝડપાયો, નસવાડી પોલીસ ઊંઘતી ઝડપાઈ

છોટા ઉદેપુર6 દિવસ પહેલા

છોટા ઉદેપુર જિલ્લામાં ગત મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં રેડ કરીને બે અલગ અલગ જગ્યાએ નાવડીમાં પર પ્રાંતમાંથી લવાતો રૂ.3,02,000/- ના વિદેશી દારૂ સાથે સાત જણાને ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી અને નસવાડી પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.

હાલ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. જેને લઇને પર પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના ભરપૂર પ્રયાસ થઇ રહ્યા છે. દરરોજ વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે. ત્યારે ગત મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલને નસવાડીમાં અંતરિયાળ વિસ્તારના હરખોડ અને કુપ્પા ગામની સીમમાં નર્મદા નદીમાં બોટ મારફતે મહારાષ્ટ્રમાંથી દારૂ આવનાર હોવાની બાતમી મળતા અલગ અલગ ટીમ બનાવીને બન્ને જગ્યાએ વોચ ગોઠવી હતી.

જેમાં હરખોડ ગામે વોચ ગોઠવી હતી, તે દરમિયાન રાત્રીના બે વાગ્યે નર્મદા નદીમાં બોટ મારફતે વિદેશી દારૂ આવ્યો હતો. જેને 5 મોટરસાયકલ દ્વારા લઈ જવાની તૈયારી કરાતી હતી. ત્યારે જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરીને પાંચેય વ્યક્તિ કનીશ ડુ.ભીલ, મથુર ડુ.ભીલ, રમણ ડુ.ભીલ, મહેશ ડુ.ભીલ, નારજી ડુ.ભીલને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે બોટમાં દારૂ લાવનાર નવજી તથા એક અજાણ્યો ઇસમ પોલીસને જોઇને નર્મદા નદીમાં કૂદીને સામે પાર જતાં રહ્યા હતા. બોટમાં લાવવામાં આવેલ પૂઠ્ઠાના બોક્સમાં તપાસ કરતા તેમાંથી 1997 વિદેશી દારૂની બોટલ રૂ.2,04,300/- સહિત રૂ.4,15,900/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

જ્યારે અન્ય ટીમ દ્વારા કુપ્પા ગામે રાત્રી દરમિયાન વોચ ગોઠવી હતી. ત્યારે લગભગ ત્રણ વાગ્યે નર્મદા નદીમાં બોટ મારફતે લાવવાના આવેલ વિદેશી દારૂના બે પોટલાં સ્થાનિક ઇસમોને આપીને જતો રહ્યો હતો. આ પોટલાને બે મોટરસાયકલ પર ચડાવીને લઈ જતા જ સ્ટેટ મોનીટરીંગ સેલે બાઈક સાથે બન્ને જણાંને ઝડપી પાડ્યા હતા. આ પોટલાની તપાસ કરતા તેમાં વિદેશી દારૂની 1001 બોટલ કિંમત રૂ.97,700/- નો જણાઈ આવ્યો હતો. જેને લઇને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બન્ને જણાંને વિદેશી દારૂ સહિત કુલ રૂ.1,57,700/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આમ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નસવાડી પોલીસ મથકની હદમાં નર્મદા નદીમાં બોટ મારફતે વિદેશી દારૂ ઘુસાડતા બે અલગ અલગ બનાવમાં સાત વ્યક્તિને વિદેશી દારૂ, બોટ, મોટરસાયકલ સહિત કુલ રૂ.5,73,600/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા નસવાડી પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...