ક્યારેય તમે પીધું છે માટીવાળું પાણી?:દિયાવાંટ ગામની મહિલાઓ રોજ પીવાના પાણી માટે રેતીમાંથી ખોબે-ખોબે પાણી નિકાળે; દિવસના 4થી 5 આંટા મારે ત્યારે તરસ છીપાય

છોટા ઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જ્યાં હાલ પણ પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે. ત્યારે આજે તમને છોટા ઉદેપુરનું એક એવું ગામ બતાવીએ જ્યાંના લોકો પીવાના પાણી માટે માટીમાં ખાડા ખોદીને અંદરથી ખોબે-ખોબે પાણી ભરે અને તરસ છીપાવે છે. આ ગામમાં તંત્ર દ્વારા બોર, હેન્ડપંપ, કૂવા વર્ષો પહેલા બનાવવામાં આવ્યા છતાં શા માટે પાણી માટે આ જહેમત ઉઠાવી પડી રહી છે. ત્યારે આજે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કઈ રીતે નાનાથી લઈને મોટા પોતાની તરસ છીપાવે છે અને હાલ શું છે છોટા ઉદેપુરના નાના એવા દિયાવાંટ ગામની સ્થિતિ?...

ગ્રામજનો વ્હેરી ખોદી પાણી ભરવા મજબૂર
ઉનાળો શરૂ થાય એટલે લોકોને તરસ ખૂબ લાગે. તેમાં પણ જો તમે રેતાળ પ્રદેશમાં રહેતા હોય અથવા વેકેશનમાં ગયા હોવતો ગરમી અને સાથે તરસથી હાલત ખરાબ થઈ જાય. આજકાલ તો લોકો પાણીની તરસ છીપાવવા કોલ્ડ્રિંક્સ, ઠંડુ પાણી, બરફના ગોલા ખાવા જાય છે અને ગરમીથી રાહત મેળવે છે. ત્યારે ક્યાંક એવા પણ ગામો આવેલા છે. જ્યાં પીવાના સાદા પાણી માટે પણ વલખાં મારવા પડી રહ્યાં છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ છોટા ઉદેપુર જિલ્લામાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. ત્યારે મધ્ય પ્રદેશ અને ગુજરાતની સરહદે આવેલા દિયાવાંટ ગામમાં લોકોને પાણી માટે ઓરસંગ નદીમાં વ્હેરી ખોદી પાણી ભરવા મજબૂર બનવું પડ્યું છે.

ગ્રામજનો પાણી માટે હવાતિયાં મારી રહ્યા છે
દિયાવાંટ ગામની 1200ની વસ્તી છે. જ્યાં તંત્ર દ્વારા બોર, હેન્ડપંપ, કૂવા વર્ષો પહેલા બનાવવામાં આવ્યા હતા. અત્યારે આ તમામ બોર, કૂવામાં પાણી ખૂબ ઉંડે ઉતરી જતા પૂરતું પાણી મળતું નથી. એક મહિના પહેલા તો ગામલોકોને હેંડપંપ, બોર, કૂવામાંથી પાણી જરૂર જેટલું મળી રહેતું હતું, પરંતુ પાણીના સ્તર નીચે ઉતરી જતાં હવે તેમાથી પાણી મળવું મુશ્કેલ બન્યું છે અને ગ્રામજનો પાણી માટે હવાતિયાં મારી રહ્યા છે. ગામની મહિલાઓ પીવાના પાણી માટે ઓરસંગ નદીમાં દિવસના ચારથી પાંચ આંટા મારીને વ્હેરી ખોદીને પાણી ભરી રહી છે.

નલ સે જલ યોજના બનાવાઈ, તેમાં પણ કામ અધૂરું
દિયાવાંટ ગામમાં નલ સે જલ યોજનાનું કામ કરવામાં આવ્યું છે. જે અત્યારે પણ અધૂરું છે, કેટલીક જગ્યાએ પ્લાસ્ટિકની ટાંકી મૂકવામાં આવી છે, તો કેટલીક જગ્યાએ હજુ પાણીની ટાંકી મૂકવાની બાકી છે. કેટલીક જગ્યાએ ઘરે-ઘરે નળ બેસાડ્યા છે, તો તે પણ યોજના હાલ બંધ હોવાથી નળો નકામા થઈ ગયા છે. અડધાથી ઉપરના ગામમાં નળ બેસાડવાના તો ઠીક લાઈન પણ નાખવામાં આવી નથી અને હવે આ યોજના ચાલુ છે કે બંધ થઈ ગઈ તે જોવા પણ કોઈ અધિકારી ગામમાં ફરકતા નથી. જેનો ભોગ પાણી માટે તરસતા ગ્રામજનો બની રહ્યાં છે

'સવાર-સાંજ પાણી લેવા જવાનું ને વ્હેરી ખોદીને પાણી ભરવાનું'
દિયાવાંટ ગામમાં પડી રહેલી મુશ્કેલી વીશે ત્યાંના સ્થાનિકો સાથે વાત કરતા ત્યાંના સ્થાનિક મહિલા ગૌરીબેન રાઠવાએ જણાવ્યું હતું કે, દિયાવાંટ ગામમાં પાણીની બહુ તકલીફ પડી રહી છે. કૂવા છે, બોર છે, બધુ છે પરંતુ પાણી નીચે ઉતરી ગયું છે. પાણી આવતું નથી, અમે નદીમાં જઈને વ્હેરી ખોદીને પાણી ભરીએ એટલે બહુ સમય લાગે છે. તેમાં પણ અમારે નદીમાંથી જતાં વચ્ચે ટેકરો છે, તો અમને ચઢતા બહુ તકલીફ પડે છે. જ્યારે અન્ય સ્થાનિક મહિલા કંજલીબેન રાઠવાએ જણાવ્યું હતું કે, અમારે પાણીની ઘણી તકલીફ છે, સવાર-સાંજ પાણી લેવા જવાનું ને વ્હેરી ખોદીને પાણી ભરવાનું. આખા દીવસમાં ચાર-પાંચ વખત પાણી ભરવાનું થાય છે. પાણી ભરીને આખો દિવસ ભાંગી જાય, કામ થતું નથી. અમારે ખેતરમાં કામ કરવાનું કે પાણી ભરવાનું?. ગામમાં બોર કાઢ્યા પણ પાણી નથી. આ બાબતે સ્થાનિક આગેવાન રમેશ રાઠવાએ જણાવ્યું હતું કે, અમારા દિયાવાંટ ગામમાં નળ સે જલ યોજના છે, તેમાં ટાંકા નથી મુક્યા, લાઇન નથી કાઢી, બોર નથી થયા, એકમાં પણ પાણી નથી. બધુ અધૂરું છે. અત્યારે તો જે બોરમાં પાણી મળે તે નહીં તો એક કિલોમીટર દૂર ઓરસંગ નદીમાં વ્હેરી ખોદીને લાવીએ છે.

અધિકારીએ વીજ કનેક્શનને જવાબદાર ગણાવ્યું
આ બાબતે વાસ્મોના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, યોજનાનું કામ 2018માં શરૂ કર્યું હતું, પરંતુ વીજ કંપની દ્વારા હજુ વીજ કનેક્શન ન અપાતા આ યોજના દ્વારા હાલ પાણી મળી શકતું નથી અને ગામમાં ચાર ટાંકી છે બધી જ બંધ છે. એક સોલાર ટાંકી છે તે ચાલુ છે, અને વીજ કનેક્શન માટે વીજ કંપનીમાં રજૂઆત કરી છે જે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...