આંખોને ઠંડક આપતો ઝાંબર ધોધનો નજારો:છોટા ઉદેપુરના આંબા ડુંગરનું રમણીય સ્થળ વરસાદ બાદ ખીલી ઉઠ્યું, આહલાદક નજારો સામે આવ્યો

છોટા ઉદેપુર16 દિવસ પહેલા
  • કુદરતે સાતેય રંગોને વિખેરી લખલૂટ કુદરતી સૌંદર્ય પાથર્યું

છોટા ઉદેપુર જીલ્લો પ્રાકૃતિક સંસ્કૃતિ ધરાવતો જીલ્લો છે. અહીંયા કુદરતે સાતેય રંગોને વિખેરી લખલૂટ કુદરતી સૌંદર્ય પાથર્યું છે. જીલ્લાના આંબા ડુંગરમાં વરસાદ પડ્યા બાદ આહલાદક નજારો આંખોને પણ ઠંડક પહોચાડે તેવો બની ગયો છે. ત્યારે અહિયાનો ધોધ પણ મનને ખૂબ જ રસ તરબોળ કરી દે તેવો ભાષી રહ્યો છે. અહીંયા ક્ષિતિજ પર જાણે વાદળ અને જમીનનો સંગમ થતો અને બન્નેનું મિલન અહીંયા જ થતું હોય તેવા દ્રશ્યો નજરે પડે છે.

કુદરતે તમામ રંગોને વિખેરીને રંગોળી બનાવી
આંબા ડુંગર, છોટા ઉદેપુર જીલ્લાના રમણીય સ્થળોમાંનું એક સ્થળ અહીંયા કુદરતે તમામ રંગોને વિખેરીને રંગોળી બનાવી છે. હાલમાં વરસાદી સિઝનમાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. કુદરતે સાતેય રંગો વિખેર્યા છે, જેને લઇને આહલાદક નજારો જોવા મળે છે. આંબા ડુંગર ખાતે ચારે બાજુ ડુંગરોની હારમાળા ડુંગરો ઉપર લીલીછમ વનરાજી જોઈને મનને એક અલૌકિક શાંતિની અનુભૂતિ થાય છે. અહીંયા આવીને મન જાણે કુદરત સાથે સીધો સંવાદ કરતું હોય તેવું વાતાવરણ અને દ્રશ્યો નજરે પડે છે.

ઝાડી ઝાંખરા વચ્ચે પ્રવાસીઓને અહીંયા આવવું ખૂબ જ દુષ્કર
આંબા ડુંગરમાં ચારે બાજુ ડુંગરો વચ્ચે 80 ફૂટ ઉપરથી ઝાંબર ધોધ પડે છે. આ ધોધને જોઈને જાણે મનની તૃષ્ણા સંતોષાઈ જાય છે અને ત્યાં જ રહેવાનું મન થાય તેવો નયનરમ્ય અને આહલાદક નજારો જોવા મળે છે. આ ધોધ આંબા ડુંગરથી 2 કિલોમીટર દૂર ડુંગરમાંથી વહેતો ધોધ છે. છેલ્લા 15 દિવસથી આ ધોધ સતત વહી રહ્યો છે. અહીંયા જવા માટે કોઈ પાકો રસ્તો નથી. ડુંગરોની હારમાળા વચ્ચે આવેલા ધોધ સુધી પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને ઝાડી ઝાંખરા વચ્ચે પ્રવાસીઓને અહીંયા આવવું ખૂબ જ દુષ્કર સાબિત થાય છે.

અહીંનો નજારો જોવા માટે આતુર બની જવાય તેવા દ્રશ્યો
છેલ્લા કેટલાક દિવસોથી આ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને દિવસમાં એક બે વખત વરસાદ પડતા જ વાતાવરણમાં એક અનોખી ઉજાસ ફેલાય છે. અને અહીંનો નજારો જોવા માટે આતુર બની જવાય તેવા દ્રશ્યો નજરે પડે છે. આ દ્રશ્યો જોઈને 1992માં આવેલ મણિરત્નમની ફિલ્મ રોજાનું ગીત ગુનગુનાવવાનું મન થાય છે કે, યે હસી વાદિયાં, યે ખુલ્લા આસમાન, આ ગયે હમ કહાં, એ મેરે સાજના, ઈન બહારો મે દિલ કી કલી ખીલ ગઈ, મુજકો તુમ જો મિલે હર ખુશી મિલ ગઈ.

અન્ય સમાચારો પણ છે...