હાલાકી:છોટાઉદેપુરની કુસુમસાગર તળાવનો સફાઇ પ્રશ્ન યથાવત

છોટાઉદેપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાવની સફાઇ ન કરાતા પ્રજાને ભારે દુર્ગંધ વેઠવી પડે છે
  • શોભા સમાન તળાવની આશરે 6 વર્ષ પહેલાં સાફ કરાઇ હતી

છોટાઉદેપુર નગરમાં સ્ટેટ સમયથી રાજવી પરિવાર દ્વારા સુંદર કુસુમસાગર તળાવ બનાવવામાં આવ્યું હોય જે રાજવી પરિવારે નગરને ભેટ સ્વરૂપે આપ્યું હતું. પાલિકા તંત્ર દ્વારા હાલ તેનો વહીવટ ચાલી રહ્યો છે. પરંતુ વર્ષોથી તળાવમાં નફ્ફટ વેલ તથા અતિશય ગંદકીના કારણે કુસુમસાગરની સુંદરતા સામે પ્રજામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે. તળાવની સાફ સફાઈ ન કરાવવામાં આવતા પ્રજાને ભારે દુર્ગંધ વેઠવી પડી રહી છે. જિલ્લા કક્ષાએ આવેલું કુસુમસાગર તળાવ અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ આ સમસ્યા ધ્યાને આવતી ન હોય તેમ લાગી રહ્યું છે.

તળાવમાં વર્ષોથી ઉગેલી વેલો તથા ગંદકી સાફ કરવા અંગે પાલિકા તંત્ર દ્વારા હૈયા ધારણ આપવામાં આવે છે. પરંતુ ગંદકી સાફ થતી નથી. નગરમાં તળાવ કિનારે બેસવા તથા લટાર મારવા આવતા રહીશો પણ આવતા બંધ થઈ ગયા છે. તેઓ જણાવી રહ્યા છે કે તળાવમાં ગંદકીને કારણે કિનારે ભારે મચ્છર હોય અને પાણીમાંથી વાસ આવતી હોય જેથી ત્યાં બેસી શકાતું નથી અને હરી ફરી પણ શકાતું નથી. તળાવ વચ્ચોવચ બનાવવામાં આવેલી ટેકરી પણ ભારે ગંદકીના કારણે જઈ શકાય તેમ નથી. જેથી હવે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તળાવની આશરે 6 વર્ષ પહેલાં સાફ સફાઈ કરાવવામાં આવી હતી. બોટ શરૂ કરી તળાવની અંદર ફુવારા મુકવામાં આવ્યા હતા ત્યારે નગરની શોભા ભવ્ય લાગતી હતી. પરંતુ હાલ તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. જે અંગે કોઈ સાફ સફાઈ હાથ ધરવામાં આવતી નથી. તળાવ કિનારે ઘણા મકાનો આવેલા છે. જ્યાં અતિશય દુર્ગંધના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રજૂઆતો કોઈ સાંભળતું નથી અને કામ પણ થતું નથી, જેથી પ્રજા પણ મૂંઝવણ અનુભવી રહી છે. બુધવારે છોટાઉદેપુર નગરમાં આવનાર રાજ્યના મુખ્યમંત્રીના ધ્યાને આ વાત પોહચે અને નગરની સમસ્યાનો નિકાલ થાય તેમ પ્રજા ઈચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે...