હાલાકી:પેટિયાથી ઝેરનો નવો રોડ કાચો, એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી

છોટાઉદેપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના પોટિયા ગામથી ઝેર ગામ સુધી તથા ઝેર ગામના નવા ફળિયાથી ગમાણ ફળીયા સુધીનો કાચા રસ્તાને નવીન ડામર રોડ બનાવવા પ્રજાની પ્રબળ માંગ કરાઈ છે. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લાના પોટિયા ગામથી ઝેર ગામ સુધી તથા ઝેર ગામના નવા ફળિયાથી ગમાણ ફળીયા સુધીનો કાચા રસ્તાને નવીન ડામર રોડ બનાવવા પ્રજાની પ્રબળ માંગ કરાઈ છે.
  • છોટાઉદેપુરના અંતરિયાળ ગામોમાં રસ્તાની સુવિધાઓથી પ્રજા વંચિત
  • ડામર રોડ બનાવવા નાયબ મુખ્યમંત્રીને 25મેના રોજ પત્ર લખી જાણ કરાઈ હતી

દેશને આઝાદ થયે 74 જેટલા વર્ષો વીતી ગયા જેમાં કેટલી સરકારો આવી અને ગઈ છતાં પણ છોટાઉદેપુર જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોના ગામડામાં પ્રાથમિક સુવિધા રોડ રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્રજાને આજેપણ રોડ રસ્તાની સુવિધાઓ મળી શકી નથી. જેના ન્યાય અંગે આજેપણ પ્રજા માંગ કરી રહી છે.

છોટાઉદેપુર તાલુકાના પોટિયા ગામથી ઝેર ગામ સુધી ત્રણ કિમીનો નવીન ડામર રોડ, તથા ઝેર ગામે નવા ફળિયામાં મેઈન રોડથી ગમાણ ફળીયા સુધી નવીન ડામર રોડ તથા ઝેર ગામે તોરણ ફળિયાથી સ્મશાન થઈ ગમાણ ફળીયા મેઈન રસ્તાને જોડતો રસ્તો તદ્દન કાચો હોય પ્રજાને અવર જવર કરવા અર્થે ભારે મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં આ રસ્તા બન્યા જ નથી. તેમ ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે. અને ઘણા સમયથી આ ગામના રસ્તા વહેલી તકે બનાવવામાં આવે તેમ માંગ કરી રહ્યા છે.

ઝેર ગામના આગેવાન લાલસિંગભાઈ રાઠવા જણાવી રહ્યા છે કે અમારા ગામના કાચા રસ્તાને કારણે અવર જવર કરવામાં પ્રજાને ભારે તકલીફ પડી રહી છે. કાચા રસ્તાને કારણે ચોમાસામાં કાદવ કિચચડ થઈ જાય છે. અવર જવર કરતી વખતે પડી જવાના બનાવો પણ બનતા હોય છે. એમ્બ્યુલન્સને પણ આ રસ્તે આવવામાં તકલીફ પડે છે. અહીંયા ડામર રોડ બનવો જોઈએ તેવી સૌની માંગ છે. કાચા રસ્તાની જગ્યાએ ડામર રોડ બનાવવામાં આવે જે અંગે અમે ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરી પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ જનોની રજૂઆતના પગલે સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા પોટિયા ગામથી ઝેર ગામ સુધીનો અને ઝેર નવા ફળિયામાં મેઈન રોડથી ગમાણ ફળીયા સુધી નવીન ડામર રોડ બનાવવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, માર્ગ અને મકાન વિભાગને 25 મેના રોજ પત્ર લખી જાણ પણ કરી હતી.

પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ઘણા વિસ્તારોમાં આજે પણ પ્રજાને પ્રાથમિક સુવિધાથી વંચિત છે. તેમ લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રજાની ફરિયાદો પ્રકાશમાં આવતા ભારે નવાઈ લાગે છે. સરકારી કાર્યક્રમો થવાના હોય નેતાઓ આવવાના હોય ત્યાં તાત્કાલિક નવા રોડ બનાવી દેવામાં આવે છે. પરંતુ ગ્રામીણ અંતરિયાળ વિસ્તારમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...