તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નદીમાં નવા નીર:છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે થઈ

છોટાઉદેપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બેકાંઠે વહેતી થઈ છે. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બેકાંઠે વહેતી થઈ છે.
  • મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વહેલી સવારે નદીમાં નવા નીર આવ્યા
  • નગરમાં ડહોળુ પાણી આવતા તેને ગાળીને અને ઉકાળીને પીવા પાલિકા દ્વારા અપીલ કરાઈ

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદીમાં રવિવારે વહેલી સવારે નવા નીર આવ્યા હતા. મધ્યપ્રદેશ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રવિવારે સવારના 7-00 વાગ્યાની આસપાસ નવું પાણી આવ્યું હતું. જેનાથી છોટાઉદેપુર નગર સહિત જિલ્લાની પ્રજામાં ભારે આનંદ ફેલાયો હતો. મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળતી અને ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી કોરી ધાકડ ઓરસંગ નદીમાં નવા પાણી આવતા સુંદર દ્રશ્યો જોવ મળ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી છોટાઉદેપુર નગર સહિત ઘણા બધા કાંઠાના વિસ્તારોને પાણી પૂરું પાડે છે. પરંતુ એપ્રિલ મહિનાથી નદીમાં પાણી સુકાઈ જાય છે. અને ચોમાસામાં નવા નીર આવે છે. ત્યારે રવિવારે નદીમાં પાણી આવતા બે કાંઠે વહેતી થઈ હતી. ઓરસંગનદીમાં નવું પાણી આવતા પાણી ડોળું હોઇ જેથી નગરમાં પણ નળમાં પાણી ડોળું આવતું હોઇ જેને ગાળીને ઉકાળીને પીવા નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ઝાકિરભાઈ દડીએ પ્રજાને અપીલ કરી છે.

છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં 10 જુલાઈની રાત્રીના 8-30 કલાકની આસપાસ ભારે કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદની શરૂઆત થતાંની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અને સતત 40 મિનિટ જેવો વરસાદ વરસ્યો હતો. જેનાથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી. અને અસહ્ય ગરમીમાં સેકાતી પ્રજાએ રાહત થઈ હતી. છોટાઉદેપુર જિલ્લામાં શનિવારે સાંજના 4-00 વાગ્યાથી રવિવાર બપોરના 12-00 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 35 મિમી, પાવીજેતપુર તાલુકામાં 21 મિમી, સંખેડા તાલુકામાં 4 મિમી, નસવાડી તાલુકામાં 21 મિમી, કવાંટ તાલુકામાં 8 મિમી, અને બોડેલી તાલુકામાં 6 મિમી વરસાદ નોંધાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલ મંગળબજાર વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી વરસાદ પડતાની સાથે જ રોડ ઉપર પાણી ભરાવવાનું શરૂ થઈ જાય છે. જેનાથી વેપારીઓ તથા રસ્તામાં અવરજવર કરતા વાહનોને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવે છે. મુશ્કેલી અંગે તંત્ર કડક પગલાં ભરે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેમ પ્રજા ઈચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે...